ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો
મહિલાઓને આહાર અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, ધ્રોલ
ધ્રોલ આયુષ નિયામકની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ ધ્રોલના ચામુંડા પ્લોટની આંગણવાડી (કોડ-69) ખાતે વિશેષ આયુર્વેદિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પોષણ પખવાડિયુ-2026’ અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ અને આયુષ્માન આરોગ્ય મંદિર (મોટા ઈટાળા) દ્વારા આયોજિત આ કેમ્પની થીમ ‘બાળપણના પહેલા છ વર્ષ પોષણ અને ભણતર માટે ઉત્તમ’ રાખવામાં આવી હતી.
કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો. જે.પી. સોનગરાએ બાળકોની તપાસ કરી આયુર્વેદિક દવાઓ આપી હતી, જ્યારે સગર્ભા માતાઓને ‘ગર્ભિણી પરિચર્યા’ અંતર્ગત માસિક કાળજી અને આહારનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સીડીપીઓ નર્મદાબેન થોરીયા અને સુપરવાઇઝર પૂજાબેન ધામેચાએ આયુર્વેદિક જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. લાભાર્થીઓને શૈક્ષણિક પત્રિકાઓ સહિત ફ્રુટ અને દૂધની કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક આંગણવાડી વર્કરોએ જહેમત ઉઠાવી હતી.


