પિતાની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા, મૃત્યુને મહોત્સવમાં ફેરવ્યો
જુનાગઢના પ્રજાપતિ ગોહિલ પરિવારનો અનોખો સંસ્કારસભર ઉપક્રમ; સમાજસેવાના નવા સંકલ્પ સાથે વિદાયને બનાવી યાદગાર
અગ્ર ગુજરાત, જૂનાગઢ
મૂળ શીલ માંગરોળના અને હાલ જુનાગઢ ખાતે નિવાસ કરતા નિવૃત્ત બેંક કર્મચારી પ્રજાપતિ કેશવજીભાઈ ભીમજીભાઈ ગોહિલનું તા. 16-04-2026ના રોજ ગુરૂવારે 80 વર્ષની વયે નિધન થયું હતું. તેમના અવસાનને લઈને પરિવારજનોમાં શોકની લાગણી હોવા છતાં, સદગતે જીવનના અંતિમ દિવસોમાં વ્યક્ત કરેલી ઈચ્છાને માન આપી પરિવારે વિદાયને એક અનોખા અને પ્રેરણાદાયી રૂપમાં ઉજવી હતી.
સામાન્ય રીતે અંતિમયાત્રા શોકમય વાતાવરણમાં નીકળતી હોય છે, પરંતુ પ્રજાપતિ ગોહિલ પરિવારે સદગતની ઈચ્છા અનુસાર ઢોલ-શરણાઈના તાલ સાથે અને રામનામના ધાર્મિક ગુંજન વચ્ચે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. આ અનોખી વિદાયમાં પરિવારજનો ઉપરાંત સમાજના લોકો પણ જોડાયા હતા અને સૌએ ભાવવિભોર થઈ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમયાત્રા દરમિયાન દુઃખને બદલે સંસ્કારો અને સકારાત્મકતાનો સંદેશ પ્રસરી ગયો હતો.
પત્ની દયાબેન, પુત્રો જયેશ અને હિરેન, પુત્રવધૂ હરસિદ્ધિબેન, દિકરી અનસૂયાબેન તેમજ જમાઈ સહિત સમગ્ર પરિવારે એકતા અને સંસ્કારનો ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો. ખાસ કરીને પુત્ર હિરેન ગોહિલ અને પુત્રવધૂ હરસિદ્ધિબેન, જે ઉચ્ચકક્ષાના નાટ્ય કલાકાર તરીકે જાણીતા છે અને કલારંગ નાટ્ય મંડળી સંચાલિત કરે છે, તેઓએ આ પ્રસંગે સંસ્કાર અને સેવા બંનેનું સુંદર સંકલન દેખાડ્યું હતું.
ગોહિલ પરિવાર માત્ર આ અનોખી વિદાય સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ સમાજસેવામાં પણ સક્રિય રહ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદોને રાશન કિટ વિતરણ, કીડીયારૂ, અબોલ પશુ-પંખીઓને ચણ-પાણી આપવાની સેવાઓ સતત કરવામાં આવે છે. સદગત કેશવજીભાઈના સંસ્કારોનું જ આ પરિણામ છે કે પરિવાર સમાજપ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે.
આ સાથે જ, સદગતની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે પરિવારજનોએ વધુ એક મહત્વપૂર્ણ સંકલ્પ કર્યો છે. ટૂંક સમયમાં જરૂરિયાતમંદો માટે બેડ, વોકર, સ્ટીક, પાણીવાળા ગાદલા અને વ્હીલચેર જેવા મેડિકલ સાધનો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા દ્વારા અનેક દર્દીઓ અને વૃદ્ધોને સીધો લાભ મળશે અને સદગતની યાદમાં એક સકારાત્મક કાર્ય ચાલુ રહેશે.
આ સમગ્ર ઘટના સમાજ માટે પ્રેરણારૂપ બની છે. પ્રજાપતિ ગોહિલ પરિવાર દ્વારા અપાયેલી આ સંસ્કારસભર અને સેવાભાવી વિદાય એ દર્શાવે છે કે જીવનના અંત બાદ પણ સારા સંસ્કારો અને સેવા કાર્ય દ્વારા વ્યક્તિ સમાજમાં હંમેશા જીવંત રહી શકે છે. ધન્ય છે એવા સદગત આત્માને, જેમણે પરિવારને ઉત્તમ મૂલ્યો આપ્યા અને પોતાના જીવન દ્વારા સેવા અને સંસ્કારનો માર્ગ દર્શાવ્યો.


