વેરાવળમાં ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા, “ઝેરી વાણી” રોકવા લઘુમતી સમાજની પોલીસમાં રજુઆત
રાજકીય નેતાઓ પ્રચાર દરમ્યાન ભાષણમાં ઝેર ઓકી રહ્યા હોય કડક કાર્યવાહી કરવા માંગણી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ત્યારે વેરાવળમાં રાજકીય ભાષણોની શૈલીને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. “લોકશાહીનું પર્વ” ગણાતી ચૂંટણીના પ્રચાર દરમ્યાન જ ઉશ્કેરણીજનક અને અશોભનીય ભાષાના ઉપયોગથી શહેરની શાંતિ ખોરવાઈ શકે તેવો ભય વ્યક્ત કરી મુસ્લિમ સેવા સમાજ આગળ આવ્યું છે. સમાજના પ્રમુખ તથા પૂર્વ નગરસેવક અફઝલ પંજા સાથે અનેક આગેવાનોએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનએ રૂબરૂ જઈ લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા પોતાના જાહેર ભાષણોમાં ગંદી અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી સામાજીક સૌહાર્દને ગંભીર અસર પહોંચે તેવી શક્યતા છે.
આગેવાનોના જણાવ્યા મુજબ, વેરાવળ શહેર હંમેશા શાંતિ અને સહઅસ્તિત્વનું પ્રતિક રહ્યું છે, પરંતુ કેટલીક રાજકીય વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે “વાણી વિલાસ” કરતા હોય તેમ જણાઈ રહ્યું છે. આવી ભાષા સામાન્ય લોકોમાં વેરઝેર ફેલાવવાનો માહોલ ઉભો કરી શકે છે, જે ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને પણ અસર કરી શકે છે. ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “જો આવા લોકોને કાયદાનું ભાન નહીં કરાવવામાં આવે તો તેઓ બેફામ બની જશે અને તેનો ભોગ નિર્દોષ નાગરિકોને બનવો પડશે.” સમાજે સ્પષ્ટ રીતે માંગણી કરી છે કે પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તે જરૂરી છે. આ વિવાદાસ્પદ મામલે વેરાવળ સીટી પીઆઈ જે.એન.ગઢવીના જણાવ્યા મુજબ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે જે સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે. તપાસમાં કોઈ એવી બાબત સામે આવશે તો જરૂર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકીય ગરમાવો વચ્ચે આવી ઘટનાઓ ચૂંટણીના મૂળ ભાવ શાંતિપૂર્ણ અને સ્વસ્થ લોકશાહી પર સવાલ સર્જે છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે. કારણ કે શહેરની શાંતિ જાળવવી એ દરેક તંત્રની પ્રથમ જવાબદારી છે.


