માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા
અજાણ્યા ચાર શખ્સોએ ખૂની ખેલ ખેલ્યો : વચ્ચે પડેલા મિત્રને છરી વાગતા સારવારમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, મોરબી
માળીયા (મી) તાલુકામાં હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૂળ મોરબીના જેતપર ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28) નામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, અનિલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (ઉં.વ. 27, રહે. મોરબી) સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને રૂપિયાની લેતીદેતી બાબતે અનિલ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન અનિલને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા મારવામાં આવ્યો હતો.
અનિલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વિવેકને પણ છરી વાગતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો છે.
મૃતક અનિલ કંડિયાને અગાઉ જેતપર ગામે કરિયાણાની દુકાન હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી તેની માતા રંજનબેન સાથે મોરબીમાં રહેતો હતો. તેના પિતાએ પાંચેક વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હત્યા પાછળ રૂપિયાની લેતીદેતીનો વિવાદ કારણભૂત હોઈ શકે છે અને તપાસનો રેલો મોરબીની કોઈ ફાયનાન્સ પેઢી સુધી પહોંચે તેવી શક્યતા છે. માળીયા તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


