પ્રેમસંબંધમાં યુવાનને દોરી અને પટ્ટાથી બેફામ મારતા કરપીણ હત્યા
રાજુલાના ભાક્ષી ગામની સીમમાં બનેલ બનાવ : ત્રણ આરોપીની અટકાયત
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં પ્રેમસંબંધના જુના મનદુઃખના કારણે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ધટનામા સારવાર દરમિયાન યુવકનું મોત થતાં આ મામલો હત્યામાં પલટાયો હતો. રાજુલા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર રાજુલાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ સોલંકી પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. અને યુવકને ગંભીર ઈજાઓને કારણે તેમને રાજુલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત થતા હુમલાની આ ધટના હત્યામાં ફેરવાઈ ગઈ હતી. જોકે રાજુલા પોલીસે ઘટના બાદ આરોપીને પકડી પાડવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતાં. ફરિયાદી નરશીભાઈ ટભાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ , મૃતક દિનેશભાઈ સોલંકીને એક વર્ષ પહેલા આરોપી ભનુભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. દિનેશભાઈ સોનલને મોરબી ભગાડી ગયા હતા.
ઘટના બાદ આરોપી રાજુ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી મૃતક દિનેશભાઈને ધમકીઓ આપતો હતો. યુવતી બે મહિના સુધી દિનેશભાઈ સાથે મોરબી રહી હતી. અને બાદમાં પોતાના પિતાના ઘરે પરત ફરી હતી. આ બાબતને લઈને મૃતક અને આરોપીઓ વચ્ચે મનદુઃખ ચાલતું હતું. કાળુભાઈની વાડીએ મજૂરો લેવા આવ્યા હતા. ગત તારીખ ૧૮ એપ્રિલ ૨૦૨૬ રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે જ્યારે દિનેશભાઈ સૂતા હતા ત્યારે ત્રણેય આરોપીઓ બાઇક પર વાડીમાં આવ્યા હતા. અને આરોપીઓએ દિનેશભાઈને થોડે દૂર લઈ જઈને પૂછ્યું કે તેણે તેમની બહેનને કેમ ભગાડી હતી ત્યારબાદ અપશબ્દ બોલીને રાજુ ઉર્ફે રાકેશ પોતાના પટ્ટાથી તથા અન્ય આરોપીઓએ દોરી-પટ્ટા વડે દિનેશભાઈને આખા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ દિનેશભાઈને વાડીમાં છોડીને ફરાર થઈ ગયા હતાં. જે બાદ પીઆઇ વી.એમ.કોલાદરાની ટીમ દ્વારા હત્યા કરનાર ત્રણેય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં સુરસિંહ ઉર્ફે રવી ભનુભાઇ સોલંકી, રાજુ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી અને કેવલ ચુડાસમા એમ કુલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ડીવીએસપી નયના ગોરડીયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરાની સુચના મુજબ સર્વેલન્સ ટીમના મધુભાઇ પોપટ, બહાદુરભાઇ વાળા, હરેશભાઇ કવાડ, રાણાભાઇ વરૂ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઇ મેર, રામદેવસિંહ સરવૈયા, હિતેશભાઇ કલસરીયા, ચંદ્રેશભાઇ કવાડ, રામભાઇ ભમ્મર, પૃથ્વીરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.


