ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લેતા એડવાન્સ રીસર્ચ બાયોમેડિકલના વિદ્યાર્થીઓ
વિજ્ઞાન અને આધુનિક શૈક્ષણિક માળખા અંગે માર્ગદર્શન મેળવ્યું : વિવિધ વિષયો પર વાર્તાલાપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ઇન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ રીસર્ચ (IAR) ગાંધીનગરના ફોરેન્સિક અને બાયોમેડીકલ વિદ્યાર્થીઓની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમ.ઓ.યુ.ના એજન્ડા અંતર્ગત અભ્યાસક્રમના ભાગરૂપે યોજાઈ હતી, જેમાં કુલ ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ શૈક્ષણિક મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક વિજ્ઞાન સાથે સંબંધિત આધુનિક શૈક્ષણિક માળખું, અદ્યતન પ્રયોગશાળાઓ તથા આંતરશાખાકીય શિક્ષણના વાતાવરણનો વ્યવહારુ અનુભવ પૂરું પાડવાનો હતો. સંસ્થા દ્વારા દ્રઢપણે માનવામાં આવે છે કે આવી મુલાકાતો વિદ્યાર્થીઓના સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક અનુભવ સાથે જોડીને તેમની સમજણને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. જેમાં ડૉ. મિલન ભરાડ દ્વારા આયુર્વેદમાં ક્લિનિકલ ટોક્સિકોલોજીના ઇતિહાસ અને પરિચય પર નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કેમ્પસ અને પ્રયોગશાળાઓની મુલાકાત લીધી, ખાસ કરીને હોમિયોપેથિક અને આયુર્વેદિક વિભાગોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને નજીકથી નિહાળી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ વિવિધ વિષયોની એડવાન્સ લેબોરેટરીમાં લાઇવ પ્રયોગો અને વિવિધ વ્યવહારુ અનુભવો પણ મેળવ્યા હતા. આ તકે અન્ય વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને શિક્ષણ સત્રો પણ યોજાયા હતા, જેનાથી શૈક્ષણિક દૃષ્ટિએ વિદ્યાર્થીઓને વધુ સમૃદ્ધ અનુભવો પ્રાપ્ત થયા હતા. આ શૈક્ષણિક મુલાકાત ફોરેન્સિક સાયન્સ અને બાયોમેડિકલના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી જે ભવિષયમાં તેઓના અભ્યાસક્રમ આધારિત તેમજ પરિણામ આધારિત શિક્ષણને વધુ મજબૂતી આપશે તેવી સંસ્થાની તરફથી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


