આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફડાકાકાંડમાં ત્રણ ફરિયાદ દાખલ થઇ
ઝઘડીયા GIDC બનાવમાં પાંચ દિવસ સુધી કોઇ કાર્યવાહી નહી કરી હોવાના પોલીસ પર આક્ષેપ
અગ્ર ગુજરાત, ડેડીયાપાડા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ ત્યાં ચૈતર વસાવા અને રોશન વસાવા વચ્ચે જોરદાર બબાલ થઇ હતી. અને આ લાફાકાંડ મામલે ત્રણ FIR દાખલ થઇ છે. અને હવે આ મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
ચૂંટણી પરિણામના બીજા દિવસે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર ત્રણ FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે વસાવાએ પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે તેઓ ન્યાય અપાવવા માટે જેલમાં જવા પણ તૈયાર છે.
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે ઝઘડિયા પોલીસે શરૂઆતના પાંચ દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. તેમણે કહ્યું કે, “ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને આજે મારા પર ત્રણ FIR કરી.” વસાવાએ પોલીસની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો.
વસાવાએ જણાવ્યું કે, “કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ કંપની પર FIR કરવી પડે, જવાબદારો સામે કાર્યવાહી કરવી પડે પરંતુ પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી નહીં.” તેમણે પોલીસ પર કંપની સામે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો.
આમ આદમી પાર્ટીના નેતાએ ભારપૂર્વક કહ્યું કે, “જેલથી અમે ડરતા નથી, કામદારો માટે લડતા રહીશું.” તેમણે ઉમેર્યું કે, “હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે જેલમાં જઈશું પરંતુ ન્યાય તો અપાવીને જ રહીશું.” વસાવાએ પીડિત પરિવારને ખાતરી આપી કે, “પરિવાર સાથે અન્યાય નહીં થવા દઈએ તેની હું ખાતરી આપું છું.”


