ઉનામાં પ્રેમપ્રકરણના કારણે પરિણીતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:
પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ
‘તુ મરી જા, તુ મને ગમતી નથી’ કહી પતિ આપતો હતો માનસિક ત્રાસ: ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ
આરોપીની પ્રથમ પત્નીનું પણ શંકાસ્પદ મોત થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો, ઉના પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઉના શહેરના વિનાયક સોસાયટીમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ પતિના આડા સંબંધો અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ મામલે મૃતક ના ભાઈ તુષારભાઈ સોલંકીએ ઉના પોલીસ મથકમાં બનેવી શૈલેષભાઈ મકવાણા વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આદિપુર-ગાંધીધામ ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા તુષારભાઈ મગનભાઈ સોલંકી ઉ.વ. 30 એ ઉના પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની મોટી બહેન પ્રિયંકાબેનના લગ્ન આજથી સાડા છ વર્ષ પૂર્વે તા. 10/12/2019ના રોજ અરવલ્લીના બાયડ તાલુકાના પટેલના મુવાળા ગામના વતની અને હાલ ઉના વિનાયક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ હસમુખ ભાઈ મકવાણા સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા.લગ્નના શરૂઆતનું એક વર્ષ બન્નેનું દાંપત્ય જીવન સુખમય ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ શૈલેષભાઈ નો વર્તન બદલાઈ ગયો. તે અવારનવાર પ્રિયંકાબેનસાથે ઝઘડા કરી ‘તુ મરી જા, મારે તને નથી રાખવી, તુ મને ગમતી નથી’ જેવા વેણ બોલી અસહ્ય માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. બહેનનું ઘર ન તૂટે તે માટે પરિવારે અનેક વખત પ્રિયંકાબેનને સમજાવીને સાસરે મોકલી હતી.
ગત તા. 03/05/2026ના રોજ સાંજે પાંચેક વાગ્યા ના સુમારે તુષારભાઈને તેમના બનેવી શૈલેષભાઈનો ફોન આવ્યો હતો. શૈલેષભાઈએ જણાવ્યું કે, “પ્રિયંકાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો છે.” તુષાર ભાઈએ વ્યથિત થઈ પૂછ્યું, “મારી બહેન જીવે છે?” ત્યારે સામેથી જવાબ મળ્યો કે, “કાંઈ બોલતા નથી, મેં 108ને ફોન કર્યો છે.”આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ તુષારભાઈ, તેમના ભાઈ સંજયભાઈ અને પિતરાઈ ભાઈ મેહુલભાઈ તાત્કાલિક આદિપુરથી ઉના જવા રવાના થયા હતા અને તા. 04/05/2026ના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઉના પહોંચ્યા હતા. ઉના સરકારી હોસ્પિટલના પી.એમ. રૂમમાં બહેન પ્રિયંકા બેનનો નિષ્પ્રાણ દેહ જોતા જ પરિવારજનો હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા.
ફરિયાદમાં તુષારભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેમના બનેવી શૈલેષભાઈને વેરાવળ પોલીસમાં ફરજબજાવતી એક મહિલા સાથે પ્રેમસંબંધ છે. આ આડા સંબંધના કારણે જ શૈલેષભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રિયંકાબેનને સતત માનસિક યાતના આપી ત્રાસ ગુજારતો હતો. “તુ મરી જા, તું મને ગમતી નથી” કહીને તે સતત મરવા માટે મજબૂર કરતો હતો. આ અસહ્ય ત્રાસથી કંટાળીને જ પ્રિયંકાબેને તા. 03/05/2026ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
ફરિયાદમાં વધુ એક સનસનીખેજ ખુલાસો કરાયો છે કે, આરોપી શૈલેષભાઈ મકવાણાની પ્રથમ પત્ની મીતા બેનનું પણ માનસિક ત્રાસના કારણે ગળેફાંસો ખાઈને મોત થયું હતું. જેની ફરિયાદ પણ અગાઉ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે.મૃતકના ભાઈ તુષારભાઈ સોલંકીની ફરિયાદના આધારે ઉના પોલીસે આરોપી પતિ શૈલેષભાઈ હસમુખભાઈ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકના મોબાઈલ, કોલ ડિટેઈલ્સ અને આરોપીના કથિત પ્રેમપ્રકરણની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. એક પરિણીતાને પ્રેમપ્રકરણ ના કારણે જીવ ગુમાવવો પડ્યો અને આરોપીની પ્રથમ પત્નીના મોતનું પુનરાવર્તન થતા સમગ્ર ઉના પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


