પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા
જલંધરનાં BSF હેડકવાર્ટરમાં બહાર IED બ્લાસ્ટ અને અમૃતસરમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડ હૂમલો : ખાલિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી
અગ્ર ગુજરાત, ચંડીગઢ
જલંધરમાં BSF હેડક્વાર્ટર સામે મંગળવારે રાત્રે ધમાકો થયો હતો. તેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના ઉપયોગની વાત કહેવામાં આવી રહી છે. સદનસીબે, આ ધમાકામાં કોઈને ઈજા થઈ ન હતી. આ ધમાકાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન ખાલિસ્તાન લિબરેશન આર્મી (KLA) એ એક પોસ્ટ શેર કરીને લીધી છે. જોકે, પોલીસ તેની પુષ્ટિ કરી રહી નથી. પોસ્ટમાં લખ્યું છે કે ડીઆઈજી સંદીપ ગોયલ અને તેમનો પરિવાર નિશાન પર છે. એટલું લોહી વહાવીશું કે બધું લાલ દેખાશે.
જલંધરમાં PAP ચોક પાસે રાત્રે 7:57 વાગ્યે સ્કૂટી પાસે ધમાકો થયો હતો. સૂત્રો અનુસાર એક આતંકવાદી PAP ચોક તરફથી રોંગ સાઈડથી પગપાળા આવતો દેખાયો. તે સીધો તે સ્થળે પહોંચ્યો, જ્યાં ફૂટપાથ પર એક્ટિવા ઊભી હતી. યુવકે પ્લાસ્ટિકમાં લપેટાયેલું પેકેટ ત્યાં છોડ્યું અને બસ સ્ટેન્ડ તરફ દોટ મૂકી. તેના થોડા સેકન્ડમાં જ ધમાકો થયો.
એજન્સીઓને આશંકા છે કે આગળ તેનો સાથી રાહ જોઈ રહ્યો હતો અને તે કોઈ વાહનમાં બેસીને ભાગી ગયો. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળેથી બોમ્બના ફાટેલા ટુકડા મળ્યા છે. CM ભગવંત માન જલંધર આવવાના છે. તે પહેલા આ ઘટના બની ગઈ. તે જ સમયે, અમૃતસરમાં પણ આર્મી કેમ્પ ખાસાના ગેટ નંબર 5 અને 6 ની બહાર પણ રાત્રે લગભગ 11 વાગ્યે ગ્રેનેડ હુમલો થયો. આમાં ફક્ત ટીન શેડને નુકસાન થયું છે.
એજન્સીઓ મામલાઓની તપાસમાં લાગી ગઈ છે. જલંધરમાં જે એક્ટિવામાં ધમાકો થયો તે BSFના પૂર્વ જવાન કાશ્મીર સિંહ (ગામ ગઢા)ની છે. તેમનો એકમાત્ર પુત્ર ગુરપ્રીત સિંહ કુરિયર બોયનું કામ કરે છે. તે રાત્રે એક્ટિવા ઊભી રાખીને હેડક્વાર્ટરની અંદર પાર્સલ આપવા ગયો હતો. ગુરપ્રીતને પોલીસે BSF હેડક્વાર્ટરમાં કસ્ટડીમાં લીધો છે.
જલંધર પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે કહ્યું- સ્કૂટીમાં આગ લાગ્યા બાદ જ વિસ્ફોટ થયો છે. હાલ આ જ માહિતી મળી છે. સ્કૂટી પર બે છોકરા આવ્યા હતા, બંને છોકરાઓને પોલીસે અને સિક્યોરિટી ફોર્સે કસ્ટડીમાં લીધા છે. ફોરેન્સિક ટીમો તપાસમાં લાગી છે.
અમૃતસર આર્મી કેમ્પ પર થયેલા વિસ્ફોટ અંગે SSP સોહેલ મીર કાસિમે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાઇક પર સવાર બે નકાબપોશ લોકોએ વિસ્ફોટકને હવામાં ઉછાળીને આર્મી કેમ્પ તરફ ફેંક્યો હતો. દિવાલ સાથે અથડાતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો.
ધડાકાથી ચાર દીવાલ પર સેના વિસ્તારને કવર કરવા માટે લગાવવામાં આવેલી ટીન શેડ તૂટી પડી. ગેટ નંબર 6 અને 7 વચ્ચેની દીવાલને પણ થોડું નુકસાન થયું છે. ધડાકાનો અવાજ સાંભળતા જ સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.
ધમાબા બાદની પોસ્ટ
પોસ્ટમાં લખ્યું છે કે- 5 મે 2026ના રોજ રાત્રે 8 વાગ્યે પંજાબમાં જલંધરના ફ્રન્ટિયર હેડક્વાર્ટર BSF પર એક IED હુમલો કરવામાં આવ્યો. KLA (ખાલિસ્તાન લિબરેશન આર્મી) આજે હુમલાની જવાબદારી લે છે, જે દરમિયાન 2 BSF સૈનિકો માર્યા ગયા અને 3 ઘાયલ થયા. આ હુમલો ઓપરેશન નવા સવેરાનો એક ભાગ છે, જે ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી અમારા ભાઈ શહીદ રણજીત સિંહના લોહીનો બદલો પૂરો ન થાય અને ખાલિસ્તાન આઝાદ ન થાય.
પોસ્ટમાં આગળ લખ્યું છે- ફરી એકવાર KLA ડીઆઈજી સંદીપ ગોયલને ચેતવણી આપે છે કે તમે, તમારું કુટુંબ અને તમારા સંબંધીઓ અમારું નિશાન છો. શહીદ રણજીત સિંહના લોહીનો બદલો તમારા નજીકના અને પ્રિયજનોના લોહીથી લેવામાં આવશે. ગોયલ પરિવારે ઘણા અત્યાચારો કર્યા છે. અમે એટલું લોહી વહાવીશું કે બધું લાલ દેખાશે. વિશેષ ધમાકાનો વીડિયો ટૂંક સમયમાં જારી કરવામાં આવી રહ્યો છે.
ફોજીનો દીકરો છે, આતંકવાદી ન હોઈ શકે : પિતા
ગુરપ્રીતના પિતા કાશ્મીર સિંહે કહ્યું કે તેમનો 22 વર્ષીય દીકરો 3 મહિના પહેલા જ આ કામ પર લાગ્યો હતો. તેમણે કહ્યું કે તેમનો દીકરો સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને તેને મળવા દેવામાં આવી રહ્યો નથી. તેમનું કહેવું છે કે એક ફોજીનો દીકરો ક્યારેય દેશ વિરુદ્ધ જઈ શકે નહીં. તે આતંકવાદી ન હોઈ શકે.


