લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
છેલ્લા ૨૪ કલાકમાં તાપમાનમાં ભારે વધારો : કંડલા પોર્ટમાં પાંચ ડિગ્રી વધ્યુ : રાજકોટમાં ૪૪ ડિગ્રી થવાની ચેતવણી : સૌરાષ્ટ્રમાં હવામાનનું યલો એલર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 7 મેને ગુરૂવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે. આઠ જિલ્લામાં ગરમીનો પારો 40°C પાર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર 43.5°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા હતા.
છેલ્લા 24 કલાકની અંદર જ રાજ્યના તાપમાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કંડલા પોર્ટમાં સૌથી વધુ 5°Cનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં 3°C, સુરેન્દ્રનગરમાં 2°Cનો મહત્તમ તાપમાનમાં વધારો થયો છે.
આવતીકાલથી ગરમીમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ 9થી 12 મે દરમિયાન રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમાં પણ 11-12 મેની ગરમી સિઝનનો રેકોર્ડ તોડે તેવી પરી શક્યતા છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે સૌથી વધુ રાજકોટમાં મહત્તમ તાપમાન 44°C નોંધાશે. જ્યારે અમદાવાદમાં 43°C, વડોદરામાં 42°C, ભૂજમાં 42°C, ગાંધીનગરમાં 43°C, , ભાવનગરમાં 42°C, અમરેલીમાં 43°C, સુરતમાં 38°C અને ડીસામાં 43°C તાપમાન નોંધાશે.
હવામાન વિભાગ અનુસાર, હાલમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનની સિસ્ટમ સક્રિય બનતા રાજ્યના વાતાવરણમાં ફેરફાર સાથે વરસાદ વરસી રહ્યો છે. જોકે, આવતીકાલ એટલે કે, 9 મેથી ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. 9 મેના રોજ કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
10 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 11 અને 12 મે દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બનવાની આગાહી કરવામાં આવી છે.


