હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
સાવધાન! ૨૦૨૭ થી ૨૦3પ સુધી ગરમી ભૂક્કા કાઢશે
૧૦ વર્ષ ગરમીના પ્રમાણમાં સતત વધારો થશે, વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન અને પર્યાવરણમાં થતા ફેરફારની અસર ગુજરાતમાં દેખાશે
શનિ-મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પવનની ગતિ અને હવામાનની સ્થિતિમાં ફેરફાર થશે : અંબાલાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગામી દિવસો અને વર્ષોને લઈને ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને આગામી વર્ષોમાં ગરમી વધુ આકરી બની શકે છે.
તેમણે જણાવ્યું કે હાલ પડતી અસહ્ય ગરમી પાછળનું મુખ્ય કારણ સોલર રેડિયેશન છે. સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડી રહ્યા હોવાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ સૂર્યની ક્રાંતિ પણ વધી રહી છે, જેના કારણે તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ લગભગ 21 જૂન આસપાસ સૂર્યની ક્રાંતિ તેની ટોચ પર પહોંચશે, જેના કારણે ગરમી અને ઉકરાટ બંનેમાં વધારો થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે 5 જૂન પછી પવન ફૂંકાવા લાગશે, જેના કારણે લોકોને ગરમીમાંથી કંઈક અંશે રાહત મળી શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંપૂર્ણ રાહત નહીં હોય, કારણ કે ભેજવાળા વાતાવરણને કારણે ઉકરાટ અને બફારો યથાવત્ રહી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે 18 તારીખ આસપાસ પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ વરસાદના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં “આકાશમાંથી અગનગોળા વરસતા હોય” તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન રસ્તાઓ સુમસામ જોવા મળે છે અને બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે, જેના કારણે હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને એમ પણ કહ્યું હતું કે, હાલ તો ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો જ પડશે. હવે શનિ મિથુન રાશિમાં જશે ત્યારે જ પવન આવશે. બાળકો અને વૃદ્ધોએ ખાસ કરીને કાળઝાળ ગરમીમાં કામ વિના બહાર ના નીકળવું જોઈએ.
અંબાલાલ પટેલે લાંબા ગાળાની ચિંતાજનક આગાહી પણ કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 10 વર્ષ દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું રહેશે. ખાસ કરીને 2027થી 2035 વચ્ચે તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન અને પર્યાવરણમાં થતા ફેરફારોની અસર ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં દેખાશે.
તેમણે જ્યોતિષીય સંદર્ભમાં પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે શનિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પવનની ગતિ અને હવામાનની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે. જોકે હવામાન વિભાગો વૈજ્ઞાનિક આધારિત આગાહીઓ કરે છે, ત્યારે અંબાલાલ પટેલની આગાહીઓ ગુજરાતમાં લાંબા સમયથી લોકોમાં ચર્ચાનો વિષય બનતી રહી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ દેશના ઉત્તર ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે. ધરતી ગરમ થવાથી તેની ગરમી ઉપરના વાતાવરણમાં જઈ રહી છે, જેના કારણે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગરમીનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે સામાન્ય લોકો માટે પણ તે સહન કરવી મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને બીમાર લોકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. તેમણે લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
1912માં પણ પડી હતી આકરી ગરમી
અંબાલાલ પટેલે ઐતિહાસિક ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 1912માં ગુજરાતમાં હાલની પરિસ્થિતિ કરતાં પણ વધુ ગરમી પડી હતી. એટલે કે અતિશય ગરમીની પરિસ્થિતિ નવી નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેનું પ્રમાણ અને અસર બંને વધી રહ્યા છે. પર્યાવરણ નિષ્ણાતો પણ માને છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમીના દિવસો વધી રહ્યા છે. શહેરોમાં કોંક્રીટના જંગલો, વાહનોનું પ્રદૂષણ અને હરિયાળીનું ઘટતું પ્રમાણ પણ ગરમી વધારતા મહત્વના પરિબળો બની રહ્યા છે. આ વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વધુ પાણી પીવું, હળવું ખોરાક લેવું, માથું ઢાંકીને બહાર નીકળવું અને સીધા તડકાથી બચવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા વચ્ચે લોકો માટે સાવચેતી જ સૌથી મોટું રક્ષણ બની શકે છે.
વિશ્વના ૫૦ સૌથી ગરમ શહેરોમાં ભારતના સિટીનો સમાવેશ
આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતમાં ભયાનક ગરમી પડી હતી. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે એક દિવસ દુનિયાના 50 સૌથી ગરમ શહેર ભારતમાં નોંધાયા. વાયુ ગુણવત્તા અને હવામાનના આંકડા પર નજર રાખનાર પ્લેટફોર્મ AQI અનુસાર 27 એપ્રિલે ભારતના ઘણા શહેરોમાં તાપમાન ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સામાન્ય ગરમી નહોતી અને તેની પાછળ જળવાયુ પરિવર્તન એક મોટું કારણ હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશનું બાંદા શહેર તે દિવસે દુનિયાનું સૌથી ગરમ શહેર રહ્યું. અહીં તાપમાન આશરે 115 ડિગ્રી ફેરનહેટ સુધી પહોંચી ગયું હતું. ભારતીય હવામાન વિભાગે પણ ઘણા રાજ્યોમાં સામાન્યથી વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે અલ નીનો જેવા હવામાન પરિવર્તનને કારણે ચોમાસું નબળું પડવાનો ખતરો વધી ગયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો સમય રહેતા જળવાયુ સંકટ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો આવનાર વર્ષોમાં ભારતમાં ગરમી વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે.
ગરમી ૧૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે
વૈશ્વિક હવામાન પરિવર્તનને લઈને વૈજ્ઞાનિકોએ અત્યંત ગંભીર અને ડરામણી આગાહી કરી છે. વર્ષ 2026માં પૃથ્વી પર સુપર અલ નીનો ત્રાટકવાની શક્યતા છે, જે છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી અને વિનાશક સાબિત થઈ શકે છે. જૂન 2026 સુધીમાં આ ‘મોન્સ્ટર’ અલ નીનો સક્રિય થવાની સંભાવના 70 ટકાથી વધુ છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષની સ્થિતિ વર્ષ 1877-78માં આવેલા ભયાનક અલ નીનોની યાદ અપાવશે. તે સમયે આ કુદરતી આફતને કારણે ભારત, ચીન, બ્રાઝિલ અને ઇજિપ્ત જેવા દેશોમાં ભીષણ દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળમાં લાખો લોકોએ ભૂખમરા અને રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા હતા. હવે, 2026માં ફરી એકવાર તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વૈજ્ઞાનિક ડેવિડ વાલેસ-વેલ્સના અહેવાલ મુજબ, આ આફતની અસર દરેક દેશની આર્થિક સ્થિતિ પર અલગ-અલગ હશે. ચીન જેવા દેશોએ ફૂડ સિક્યોરિટી અને એનર્જી ક્ષેત્રે આગોતરું આયોજન કર્યું છે. પરંતુ ભારત માટે આ સ્થિતિ પડકારજનક બની શકે છે. ખેતી અને ગરીબ વર્ગ પર તેની સીધી અસર પડશે. હીટવેવ અને વરસાદની અનિયમિતતાને કારણે પાક નિષ્ફળ જવાની અને મોંઘવારી વધવાની શક્યતા છે.


