કોઠારીયા રોડ પર મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિત ચોરી
ચોરીનો માલ વેચવા નીકળેલા જુના ગણેશનગરના શખ્સને ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હવે મંદિરો પણ તસ્કરોથી સુરક્ષિત રહ્યા નથી. કોઠારિયા મેઈન રોડ પર યાદવનગર વિસ્તારમાં આવેલ વડલાવાળી હાથીધરાવાળી મેલડી માંના મંદિરમાંથી ચાંદીના છત્તર અને પિત્તળની વસ્તુઓની ચોરી થતાં ભક્તોમાં રોષ ફેલાયો હતો. જોકે ભક્તિનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ બનાવ અંગે યાદવનગર શેરી નંબર-1માં રહેતા અને મંદિરનો વહીવટ સંભાળતા રણમલભાઈ ગોવિંદભાઈ બોરીચાએ ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા મુજબ તેઓ દરરોજની જેમ વહેલી સવારે આરતી કરવા મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાં મુકાયેલ ચાંદીના છત્તર, પિત્તળના દિવેલીયા અને અન્ય સામાન ગાયબ જોવા મળ્યો હતો. જેથી આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી.
બાદમાં મંદિર સામે આવેલા મકાનના સીસીટીવી કેમેરા તપાસતા મધરાત બાદ એક આધેડ વ્યક્તિ મંદિરમાં ઘૂસી ચોરી કરતો દેખાયો હતો. તપાસમાં ચાંદીના છત્તર, પિત્તળના નાના-મોટા દિવેલીયા, કોયડો સહિત અંદાજે રૂ. 7,200નો મુદ્દામાલ ચોરી ગયાનું સામે આવ્યું હતું.
ઘટનાને ગંભીરતાથી લઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જયદીપસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ મંદિરની વસ્તુઓ વેચવા માટે બાપુનગર વિસ્તારમાં ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો.
પુછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ રજની મનસુખભાઈ ટીલાવત હોવાનું જણાવ્યું હતું. તે જુના ગણેશનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી ચોરી કરાયેલ 6 ચાંદીના છત્તર, દિવેલીયા અને પિત્તળની સાંકળ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કડક પુછપરછમાં આરોપીએ મેલડી માંના મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.


