મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ટંકારાના યુવાનનું મોત
રાજકોટથી ખરીદી કરીને પરત ફરી રહેલા યુવકોની કાર બાઈકને ઓવરટેક કરતી વખતે કાબૂ બહાર ગઈ : બે કાર પલટી મારી અથડાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી નજીક ગઈકાલે બપોરે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ટંકારાના યુવાન નવઘણ દાદુભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં બે કાર મોરેમોરો અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે કારચાલક આકાશ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ ટંકારાના કલ્યાણપર રોડ વિસ્તારમાં રહેતા સલીમભાઈ તારમામદભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નવઘણ ચૌહાણ (ઉ.વ.22) ઘર પાસે ચાની હોટલ ચલાવતો હતો. નવઘણને પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તેનો પાંચ વર્ષનો દીકરો નવદીપ તેની સાથે રહેતો હતો. ગઈકાલે સવારે નવઘણ તેના કૌટુંબિક ભાઈ આશિક ચૌહાણ, સુનિલ સિંધવ તથા આકાશ દેવાભાઈ ચૌહાણ સાથે સ્વીફ્ટ કારમાં રાજકોટ કપડાની ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી પૂર્ણ કરીને ચારેય મિત્રો ટંકારા પરત ફરી રહ્યા હતા ત્યારે મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી પાસેથી આગળ એક બાઈકચાલકને ઓવરટેક કરતી વખતે કારચાલક આકાશ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.
બેકાબૂ બનેલી સ્વીફ્ટ કાર સામે તરફથી આવતી બીજી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કાર પલટી મારી રોડ પરથી ફંગોળાઈ ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં નવઘણ ચૌહાણને માથા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે આકાશ ચૌહાણને છાતીમાં ઇજા થઈ હતી. બાદમાં બંનેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નવઘણનું મોત નીપજ્યું હતું.
સામેની કારમાં ધૈર્ય શાહ, પિયુષ રાઠોડ, વિરલ પરમાર અને દિવ્યેશ ઠક્કર સવાર હોવાનું સામે આવ્યું છે. જોકે તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


