પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર
નલિયામાં સવારથી જ પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લાગી: કતારથી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો
અગ્ર ગુજરાત, નલિયા
કચ્છના નલિયામાં સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ટ્રક, ટ્રેક્ટર, કાર અને બાઈક સવારોની લાંબી લાઈનો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાહનોની આ કતારો પેટ્રોલ પંપથી છેક હાઈવે સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઇંધણ મેળવવા માટે વાહનચાલકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. પેટ્રોલ પંપ વિસ્તારોમાં વાહનોની ભારે અવરજવર અને લાંબી લાઈનોને કારણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડતા વાહનચાલકોમાં રોષ અને પરેશાની જોવા મળી હતી. અચાનક વધેલી આ ભીડને સંભાળવામાં પેટ્રોલ પંપના સંચાલકોને પણ નાકે દમ આવી ગયો હતો.
નલિયામાં ઇંધણની અછતની આશંકા અથવા અન્ય કોઈ કારણોસર ઉમટેલી આ ભીડને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ખેતીકામ માટે ટ્રેક્ટરો અને માલસામાનની હેરફેર માટે ટ્રકો મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળ્યા હતા. ડીઝલ-પેટ્રોલ મેળવવા માટે લોકો આમ-તેમ દોડધામ કરતા નજરે પડ્યા હતા. આ સ્થિતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર કે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી.


