જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત
જોડીયામાં ઉર્ષમાં દર્શન કરવા જતી વખતે કરૂણ બનાવ બન્યો
અગ્ર ગુજરાત, ધ્રોલ
જોડીયા-ભાદરા રોડ પર આઈ.ટી.આઈ. કોલેજ પાસે ગત રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ધ્રોલના એક ૨૦ વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. જોડીયામાં ગુલાબશા પીરના ઉર્ષમાં દર્શન કરવા જતી વખતે અંધારામાં નિર્માણાધીન પુલનું ડાયવર્ઝન ન દેખાતા કાર સીધી પુલના કામ સાથે અથડાતા આ સર્જાયો અકસ્માત હતો.
બનાવની વિગત મુજબ, ધ્રોલની ફતેપુરા સોસાયટીમાં રહેતા મુસ્તફારજા ઇકબાલભાઇ ભલાયા (ઉં.વ. ૨૦) નામના યુવાન તા. ૧૩ મેના રોજ રાત્રિના આશરે સવા બે વાગ્યાના સુમારે પોતાના પાડોશી હારૂનભાઇ હમીરાણીની ફોરવ્હીલ ગાડી નંબર GJ-10-EC-3543 લઈને જોડીયા ખાતેના પ્રસિદ્ધ ગુલાબશા પીરના ઉર્ષના મેળામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન જોડીયા-ભાદરા રોડ પર આઈ.ટી.આઈ. કોલેજ પાસે પહોંચતા, ત્યાં માર્ગ પર પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જોકે, રાત્રિના અંધારાના કારણે ચાલક મુસ્તફારજાને આ ડાયવર્ઝન દેખાયું ન હતું અને ગાડી સીધી નિર્માણાધીન પુલના ખાડા અને સ્ટ્રક્ચર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે જોડીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્રના મોતના સમાચાર મળતા જ ધ્રોલ ખાતે રહેતા પિતા ઇકબાલભાઇ જીકરભાઇ ભલાયા સહિતના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે જોડીયા પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ ડી.આર. કાંબરીયાએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ શરૂ કરી છે


