રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર
તા.૨૨મીથી સમગ્ર પ્રક્રિયાનો પ્રારંભ : તાલુકામાં તા.૨3 અને જિલ્લામાં તા.૨૫મીએ ચૂંટણી
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો જાહેર થતા તમામ મોટાભાગની સંસ્થામાં ભાજપનો ભગવો લહેરાવો હતો અને ભાજપ દ્વારા સત્તાધીશો માટેની પાર્લામેન્ટ્રી બેઠક બોલાવી હતી. જે પૂર્ણ થતાં હવે તાલુકા-જિલ્લા પંચાયતના હોદેદારોની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તેની અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ કમિશનર કે. એલ. બચાણી દ્વારા નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેર થયેલા કાર્યક્રમને પગલે રાજકોટ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષો દ્વારા વ્યુહરચના ઘડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદેદારો માટે નિમણૂક આગામી સપ્તાહ દરમિયાન કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ મહાનગરપાલિકા બાદ તાલુકા પંચાયત અને પછી જિલ્લા પંચાયતના હોદેદારોની નિમણૂક કરવામાં આવશે. ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઇ ચુકી છે અને હવે આગામી સપ્તાહમાં નામોની જાહેરાત કરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે કડવા પાટીદારને સ્થાન આપવામાં આવશે અને તેમાં વોર્ડ નંબર 10ના અશ્વિન ભોરણીયાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર બ્રાહ્મણ સમાજ અથવા ઓબીસી સમાજને મહત્વ આપવમાં આવી શકે છે, તેમાં નેહલ શુક્લા અને પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવનું નામ મોખરે ચાલી રહ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ પર લોહાણા સમાજના મહિલાને સ્થાન આપવામાં આવશે, તેમાં વોર્ડ નંબર 9ના દક્ષાબેન વસાણીનું નામ મોખરે ચાલી રહ્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી કાર્યક્રમ
- ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખઃ 24.05.2026 (સવારે 11:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી)
- ચૂંટણી યોજાવાની તારીખ: 25.05.2026 (બપોરે 12:00 વાગ્યે)
તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી કાર્યક્રમ
- ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ: 22.05.2026 (સવારે 11:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી)
ચૂંટણી યોજાવાની તારીખ: 23.05.2026 (બપોરે 12.00 વાગ્યે)


