મોંઘવારીની અસર : રાજપીપળામાં મજૂરી વધારવાની માંગ સાથે કામદારો રસ્તા પર ઉતર્યા
કેળાના ૨૦૦ શ્રમિકોનો વેપારીઓ સામે મોરચો : રાજયના વિવિધ સેકટરમાં વિરોધ પહોંચવાની શકયતા
અગ્ર ગુજરાત, રાજપીપળા
સતત મોંઘવારીનો ડોઝ પ્રજાને મળી રહ્યો છે અને ડોઝ સ્લો પોઇઝન સમાન બની રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારીથી વર્તમાનમાં મળતી મજૂરીથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને હવે તે સંઘર્ષ સપાટી પર આવ્યો છે જેની અસર દેખાઇ રહી છે. રાજપીપળામાં પગાર વધારાની માંગની આગ ફૂંકાઇ છે. જે રાજયના વિવિધ સેકટર સુધી જવાની પૂરી સંભાવના હોવાની ચર્ચા સુત્રોમાં થઇ રહી છે.
રાજપીપળામાં કેળા ભરવાના કામદારોએ મજૂરી વધારવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો છે. મોંઘવારીના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા 200 જેટલા મજૂરો રંગ અવધૂત મંદિર સામેના ગરનાળા પાસે એકઠા થયા હતા.
ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ અને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. રાજપીપળા અને આસપાસના ગામડાઓમાંથી આવતા કેળા ભરવાના કામદારોને વર્ષોથી એક જ ભાવ મળતો હોવાથી તેમણે મજૂરી વધારવાની માંગ કરી છે.
કેળાના વેપારીઓ આસપાસના ગામડાઓમાંથી કેળા ખરીદી ટ્રક કે ટેમ્પોમાં ભરી બહાર વેચાણ કરે છે. મજૂરોએ અગાઉ પણ વેપારીઓને મજૂરી વધારવા અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમાં કોઈ વધારો કરાયો ન હતો. મજૂરોએ જણાવ્યું છે કે જ્યાં સુધી મજૂરીમાં વધારો નહીં થાય ત્યાં સુધી તેઓ કામગીરીથી અળગા રહેશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આદિવાસી સમાજના આગેવાન મહેશ વસાવા (મણકો) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મજૂરોની તરફેણમાં તેમણે હાજર પોલીસ સાથે થોડી ચકમક કરી હતી.


