ગુજરાતને કાયમી રહેઠાણ બનાવનાર વાઘના સંરક્ષણ માટે એકશન પ્લાન તૈયાર
ગંભીરતા અને ગોપનીયતા પૂર્વક પ્રોજેકટ પર કામ કરતુ વનવિભાગ
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હવે ટાઈગર સ્ટેટ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી દાહોદના જંગલોમાં મધ્યપ્રદેશથી આવેલા ટાઇગરે વસવાટ કર્યો છે. હવે આ ટાઈગર કાયમી ધોરણે આ વિસ્તારમાં વસવાટ કરે તેનો વંશવેલો વધારે તે માટે સરકાર અને નેશનલ ટાઈગર કન્વર્ઝન ઓથોરેટી (NTCA) પ્રયાસરત છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે વાઘની તમામ જાણકારીઓ તેમજ તેને લગતી તમામ માહિતીઓ, તથા વનવિભાગ તેમજ ટાઈગરના સરક્ષણ માટે કામ કરતી એજન્સીઓની ગતિવિધિઓ તેમજ કાર્ય પદ્ધતિ ખૂબ જ ગોપનીય રાખવામાં આવી છે.
આ અંગે વન વિભાગ તેમજ ટાઈગરના સંરક્ષણ સાથે જોડાયેલા લોકો કંઈ પણ કહેવા તૈયાર નથી. જેના પાછળ શું કારણ છે તે સ્પષ્ટ નથી. ખાસ કરીને થોડા સમય પહેલા પંચમહાલમાં જે પ્રમાણે વાઘનું મોત થયું હતું. તેને લઈને રાજ્ય સરકાર વન વિભાગ અને ટાઈગરના સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓ ખૂબ જ સંવેદનશીલ છે. અને ગંભીરતા પૂર્વક આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા વાઘની દેખરેખ અને સારસંભાળ માટે હવે વન વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.
દાહોદમાં ફેબ્રુઆરી માસથી વસવાટ કરી રહેલા ટાઈગરના સરક્ષણ માટે નેશનલ ટાઈગર કન્વર્ઝર ઓથોરેટી (NTCA) દિલ્હી અને વાઈલ્ડ લાઈન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ટાઇગર સેલ દેહરાદુનની ટીમો ગત મહિને દાહોદ આવી હતી. તારીખ ૨૮,૨૯,૩૦ એપ્રિલ એમ ત્રણ દિવસ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને ટાઈગરના સરક્ષણ દેખરેખ અને ટાઈગર સંબંધિત તમામ બાબતો અંગે માહિતગાર કરી વિશેષ ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ટીમો દ્વારા વાઘના પંજાના નિશાન એટલે કે ફુટ પ્રિન્ટ મેલ છે કે ફીમેલ કઈ રીતે ઓળખવી.? અને વાઘની હગ (લેટ્રીંગ)ના સેમ્પલો લઈ દેહરાદુનની લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યાં છે.આ સેમ્પલોનું એનાલિસીસ કરવામાં આવશે. જેમાં વાઘને કોઈ બીમારી કે કોઈ અન્ય તકલીફ છે કે કેમ, તેના રિપોર્ટના આધારે જાણી શકાશે.
વાઘ રતનમહાલમાં સ્થાઈ થયો હોવાની પુષ્ટિઓ સાથે મધ્યપ્રદેશના જંગલમાંથી બે વાઘણો લાવવા માટેની કવાયતો પણ હાથ ધરવામાં આવી રહી છે, જેથી વાઘ પોતાનો વંશવેલો આગળ વધાવી શકે અને વાઘની પ્રજાતિમાં વધારો થઈ શકે તે માટેના પ્રયાસો પણ હાથ ધરાશે. વાઘ હાલ કંજેટા અને સાગટાળા રેન્જમાં સ્થાયી થયો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ વિસ્તારો એવા છે જ્યાં ગીચ જંગલ, ખોરાકની આસાની અને ભૌગોલિક પરિસ્થિતિ વાઘને માફક આવી ગઈ હોય તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે. ટીમો દ્વારા વાઘની સતત એક્ટિવિટી પર નજર રાખી રહી છે અને વાઘના તમામ ડેટાઓ એકત્રિત કરવાની કામગીરીમાં પણ જાેતરાઈ ગઈ છે.


