ચૂંટણીમાં પોલીસે ભાજપના કાર્યકરો જેવી ભૂમિકા ભજવી: કોંગ્રેસ
રાજ્યના પોલીસ વડા સમક્ષ પ્રતિનિધિ મંડળના આક્ષેપ: પોલીસ તંત્રના ઉપયોગથી ભયનું વાતાવરણ ઉભું કર્યાની રાવ
અગ્ર ગુજરાત, અમદાવાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા સમક્ષ રજૂઆત કરીને પોલીસ તંત્ર અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન તેમજ પરિણામો બાદ કેટલાક જિલ્લાઓમાં પોલીસ વિભાગે નિષ્પક્ષ કામગીરી કરવાની જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્તન કર્યું છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં ગયેલા પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, જ્યાં કોંગ્રેસને તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બહુમતી મળી છે ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ડરાવવા, ધમકાવવા અને ભાજપને સમર્થન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ખાસ કરીને દ્વારકા, તાપી, આણંદ અને બનાસકાંઠા જિલ્લાઓના ઉલ્લેખ સાથે અનેક પ્રતિનિધિઓને માનસિક અને રાજકીય દબાણનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, આવનારી 23 અને 25મી તારીખે તાલુકા તથા જિલ્લા પંચાયતોની સામાન્ય સભાઓ યોજાવાની છે. તે પહેલાં કોંગ્રેસના સભ્યોને પોતાની રાજકીય વફાદારી બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક સ્થળોએ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના સભ્યોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય રીતે પ્રભાવિત કરવા માટે તંત્રનો ઉપયોગ થવો ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે આરોપ લગાવ્યો કે વડોદરાના આશિષ જોશી સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને વિરોધી અવાજોને દબાવવા માટે કાયદાકીય દબાણ લાવવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસે રાજ્ય પોલીસ વડાને માગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી રાજકીય દબાણ હેઠળ કામ કરતો હોય તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પાર્ટીએ જણાવ્યું કે પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવી જોઈએ, કોઈ રાજકીય પક્ષના હિતમાં કાર્ય કરવું નહીં.
કોંગ્રેસના પ્રતિનિધિમંડળે વધુમાં ચેતવણી આપી કે જો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ડરાવવાની અને દબાણમાં લેવાની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો પાર્ટી આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. રાજ્યના રાજકીય વર્તુળોમાં આ રજૂઆત બાદ નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


