આદિપુરમાં હરિદ્વારમાં કથાના નામે ૨૦૦ શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાનું કૌભાંડ
આયોજક પૈસા ઉઘરાવી રાતો રાત ગાયબ થતા ભારે દેકારો: વ્યક્તિ દીઠ રૂ.૫૦૦૦ ઉઘરાવ્યા
અગ્ર ગુજરાત, કચ્છ
ગુજરાતમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકોને આર્થિક ચૂનો લગાવતી ગેંગ અથવા ઠગો સક્રિય બન્યા છે. કચ્છ જિલ્લાના આદિપુર પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની આંખ ઉઘાડતી તેમજ શ્રદ્ધાળુઓને આઘાત આપતી એક મોટી ઘટના સામે આવી છે. પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં કથા શ્રવણ કરાવવાના બહાને અંદાજે 200 જેટલા ગરીબ અને મધ્યમવર્ગીય શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. કથાનો મુખ્ય આયોજક કરોડો-લાખો રૂપિયા ઉઘરાવીને રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, કચ્છના આયોજકે હરિદ્વારમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી લોકોને રહેવા, ખાવા-પીવાની અને કથા શ્રવણ કરાવવાની લાલચ આપી હતી. ભક્તિના રસે તરબોળ થવા માટે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો અને ભક્તો તૈયાર થયા હતા. આયોજકે કથાના નામે રજીસ્ટ્રેશન પેટે એક વ્યક્તિ દીઠ 5,000 જેવી રકમ વસૂલી હતી. આમ, અંદાજિત 200 લોકો પાસેથી આયોજકે લાખો રૂપિયાનું ફંડ ભેગું કરી લીધું હતું. પરંતુ યાત્રા પર જવાનો સમય નજીક આવતા જ આયોજકે અચાનક પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને કથાના તમામ આયોજનો અધ્ધરતાલ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો.
પોતાની જીવનભરની કમાણીમાંથી ધર્મયાત્રા માટે નાણાં ચૂકવનારા શ્રદ્ધાળુઓ જ્યારે આયોજકની ઓફિસે પહોંચ્યા ત્યારે આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. કથા અને પ્રવાસ રદ થતાં તેમજ પૈસા ડૂબી જતાં ભક્તોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઠગાઈનો ભોગ બનેલા અસંખ્ય યાત્રાળુઓનો મોટો કાફલો ન્યાયની આશા સાથે તાત્કાલિક આદિપુર પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને આયોજક વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.
આદિપુર પોલીસે યાત્રાળુઓની અરજી અને ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ફરાર થઈ ગયેલા કથાના આયોજકની કુંડળી ખંખાડવા અને તેના લોકેશનના આધારે તેને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.


