27 ચિત્કારો આજે પણ ગૂંજે છે
રાજકોટનું સૌથી ભયાનક અગ્નિકાંડ : બે વર્ષ પછી પણ ન્યાય અધૂરો
ગેરકાયદેસર બાંધકામ, ફાયર સેફ્ટીના અભાવ અને તંત્રની બેદરકારીથી સર્જાયેલી TRP ગમેઝોન દુર્ઘટનાના બે વર્ષ પૂર્ણ
મૃતકોના પરિવારજનો હજુ પણ કડક સજાની રાહમાં ; સાક્ષીઓને દબાવવાના આક્ષેપ વચ્ચે ઝડપી ટ્રાયલની માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર દેશને હચમચાવી મૂકનાર TRP ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 25 મે, 2024ની એ કાળી સાંજ આજે પણ રાજકોટવાસીઓ અને મૃતકોના પરિવારજનો માટે દુઃસ્વપ્ન સમાન છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. રમવા અને આનંદ માણવા ગયેલા યુવકો, બાળકો અને પરિવારજનોના ચિત્કારો વચ્ચે થોડા જ મિનિટોમાં આખું ગેમઝોન અગ્નિગોળામાં ફેરવાઈ ગયું હતું. ઘટનાસ્થળે સર્જાયેલા દૃશ્યો એટલા ભયાનક હતા કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. અનેક મૃતદેહોને પોટલામાં ભરી બહાર કાઢવા પડ્યા હતા. કોઈએ દીકરો ગુમાવ્યો, કોઈએ દીકરી, કોઈએ ભાઈ, કોઈએ પતિ તો કોઈએ આખું કુટુંબ ગુમાવ્યું. બે વર્ષ બાદ પણ આ અગ્નિકાંડના ઘા હજુ સુધી તાજા છે.
આ ઘટનાને લઈને શરૂઆતમાં સરકાર અને તંત્ર દ્વારા ઝડપી ન્યાય તથા આરોપીઓને કડક સજા આપવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ આજે સ્થિતિ એવી છે કે કેસના તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે અને મૃતકોના પરિવારજનો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
25 મે, 2024ના રોજ સાંજે લગભગ 5.30 વાગ્યાના સમયે TRP ગેમઝોનમાં અનેક લોકો ગેમ્સનો આનંદ માણી રહ્યા હતા. તે દરમિયાન ગેમઝોનના ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. નજીકમાં ટાયર અને ફોમ શીટ જેવા જ્વલનશીલ સામાનનો જથ્થો પડેલો હતો. સ્નો પાર્ક બનાવવાના કામ દરમિયાન વેલ્ડિંગના તણખા પડતાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેમઝોનમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવા, બહાર નીકળવાના માર્ગોની યોગ્ય વ્યવસ્થા ન હોવા અને ગેરકાયદેસર બાંધકામના કારણે લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.
ભોગ બનનાર પરિવારજનો તરફથી કેસ લડી રહેલા રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના કુદરતી નહીં પરંતુ સંપૂર્ણ માનવ સર્જિત અગ્નિકાંડ હતી. તેમણે જણાવ્યું કે TRP ગેમઝોનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને ફાયર સેફ્ટીના કોઈ યોગ્ય સાધનો ઉપલબ્ધ નહોતા. ફળદુએ વધુમાં જણાવ્યું કે, ઘટના બન્યાના એક વર્ષ પહેલાં પણ અહીં વેલ્ડિંગ દરમિયાન આગ લાગી હતી. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાએ 260(1) અને 260(2) હેઠળ નોટિસ પાઠવી હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ બેદરકારીના પરિણામે 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 304, 308, 337, 338, 465, 466, 471, 201, 120(B) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કુલ 16 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી એક આરોપીનું ઘટનાના દિવસે જ મોત થયું હતું જ્યારે બીજા એક આરોપી નિતીન લોઢાનું ટ્રાયલ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. પોલીસે 365 સાક્ષીઓના નિવેદનો સાથેની વિશાળ ચાર્જશીટ 23 જુલાઈ, 2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ 7 નવેમ્બર, 2024ના રોજ ડ્રાફ્ટ ચાર્જ રજૂ કર્યો હતો.
આ કેસમાં 17 જુલાઈ, 2025ના રોજ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા, જેને ગુજરાતની ચાર મોટી દુર્ઘટનાઓમાં સૌથી ઝડપી ચાર્જફ્રેમ ગણાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 31 જુલાઈ, 2025થી સાક્ષીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ કરનાર 6 પૈકી 5 તબીબોની જુબાની લેવામાં આવી ચૂકી છે અને આગામી 12 જૂને બાકી રહેલા તબીબની જુબાની લેવામાં આવનાર છે.
TRP ગેમઝોન કેસમાં સંચાલકો, ભાગીદારો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત કુલ 16 આરોપીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. કેસમાં ગેમઝોનના સંચાલકો ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, મેનેજર નિતીન જૈન તેમજ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી સહિતના અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો.
ચાર્જશીટ બાદ કેટલાક આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટએ તમામ અરજીઓ ફગાવી કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. તેમ છતાં સમય જતાં તમામ આરોપીઓને જામીન મળી ગયા હતા.
પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપીઓ બહાર આવી જતા હવે સાક્ષીઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કારણે પરિવારજનો કેસની ડે-ટુ-ડે હિયરિંગ થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
આ અગ્નિકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે સમય જાણે અટકી ગયો છે. આજે પણ અનેક પરિવારો પોતાના સ્વજનોની યાદમાં આંસુ વહાવી રહ્યા છે. ન્યાય માટેની લાંબી લડત અને આરોપીઓ જામીન પર મુક્ત થતાં પરિવારજનોમાં નિરાશા જોવા મળી રહી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ બેદરકારી, ગેરકાયદેસર બાંધકામ અને તંત્રની નિષ્ફળતાનું ભયાનક પરિણામ હતો. બે વર્ષ બાદ પણ સવાલ એ જ છે કે 27 નિર્દોષ જીવ ગુમાવનાર આ ઘટનામાં જવાબદારોને કડક સજા ક્યારે મળશે?
TRP અગ્નિકાંડ એક નજરે
* તારીખ : 25 મે, 2024
* સ્થળ : નાના મવા રોડ, રાજકોટ
* મૃત્યુઆંક : 27
* ઇજાગ્રસ્ત : 3
* મુખ્ય કારણ : વેલ્ડિંગના તણખાથી આગ
* કુલ આરોપી : 16
* હાલની સ્થિતિ : તમામ આરોપી જામીન પર મુક્ત
પરિવારજનોની મુખ્ય માંગ
* કેસની ડે-ટુ-ડે હિયરિંગ થાય
* આરોપીઓને કડક સજા મળે
* સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવે
* જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય
તપાસમાં સામે આવેલી ગંભીર બેદરકારી
* ગેરકાયદેસર બાંધકામ
* ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ
* જ્વલનશીલ સામાન વચ્ચે વેલ્ડિંગ કામ
* અગાઉ આગ લાગી હોવા છતાં કાર્યવાહી નહીં
* મનપાની નોટિસ બાદ પણ બાંધકામ યથાવત
કેસની હાલની સ્થિતિ
* 365 સાક્ષીઓ સાથે ચાર્જશીટ દાખલ
* 17 જુલાઈ, 2025એ ચાર્જફ્રેમ
* 31 જુલાઈ, 2025થી ટ્રાયલ શરૂ
* PM કરનાર 6માંથી 5 તબીબોની જુબાની પૂર્ણ
* આગામી 12 જૂને વધુ સાક્ષીની તપાસ થશે


