જિલ્લા પુરવઠા અધિકારી, ડે.કલેકટર અને મામલતદાર કક્ષાના ૨૭ અધિકારીઓની બદલી
૯ અધિકારીઓને પ્રમોશન અપાયા : મહેસૂલ વિભાગ દ્વારા કરાયેલો ઓર્ડર : સચિવાલયમાં પણ ફેરફાર
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી સ્તરે ખૂબ જ મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટાપાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ વહીવટી ફેરબદલ અંતર્ગત રાજ્યભરમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓની બદલી અને 9 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ સાથે જ સચિવાલય કેડરના વહીવટી માળખામાં પણ મોટો ફેરફાર કરતા 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી અને 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)ને સેક્શન અધિકારી તરીકે પ્રમોશન આપી નવી નિમણૂકો સોંપવામાં આવી છે. તારીખ 27 મે, 2026ના રોજ મોડીસાંજે જાહેર થયેલા આ આદેશોથી સચિવાલય અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.
નોંધનિય છે કે, ગાંધીનગર સચિવાલયમાં ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’ શરૂ થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મહત્વના વહીવટી નિર્ણયો અને અધિકારીઓની બદલી-બઢતીના આદેશો ઓફિસ સમય બાદ એટલે કે મોડીરાત્રે જાહેર થઈ રહ્યાં છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી જારી કરાયેલી માહિતી અનુસાર, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિવિધ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ સહિત કુલ 27 વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓ બદલાઈ છે. આ ઉપરાંત, વહીવટી માળખાને મજબૂત કરવા માટે મામલતદાર વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રિક્સ લેવલ-8)ના 9 અધિકારીઓને સિનિયોરિટી અને ‘ડીમ્ડ ડેટ’ના આધારે હંગામી ધોરણે ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 (પે મેટ્રિક્સ લેવલ-10)માં બઢતી આપીને નાયબ કલેક્ટર કે સમાન કક્ષાની જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે. બઢતી મેળવનારા આ અધિકારીઓને વાસ્તવિક હાજર તારીખ સુધીના નાણાકીય લાભો નોશનલ ગણવાના રહેશે.
બીજી તરફ સચિવાલયના નાયબ સેક્શન અધિકારીઓમાં પ્રમોશન મુદ્દે ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં 800થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ એવા છે કે જેઓ 8થી 10 વર્ષનો અનુભવ ધરાવે છે અને આવતા વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે પણ પાત્ર બનશે, પરંતુ વર્તમાન રેશિયો અને મર્યાદિત ખાલી જગ્યાઓને કારણે તેમને પ્રમોશન મળવાની સંભાવના નહીવત્ માનવામાં આવી રહી છે. કર્મચારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે, જો સેક્શન અધિકારી, અન્ડર સેક્રેટરી અને ઉપરની કેડરમાં પ્રમોશનનો રેશિયો સુધારવામાં આવે તો લાંબા સમયથી રાહ જોતા અનેક અધિકારીઓને બઢતીનો માર્ગ ખુલ્લો થઈ શકે છે. પ્રમોશનમાં વિલંબને કારણે અનુભવી અધિકારીઓમાં નિરાશા વધી રહી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.


