ધ્રોલના લતીપુર ખાતે સોમવારે ‘નકલંક નેજાધારી રામામંડળ’નો મહોત્સવ
જામનગર જિલ્લા પંચાયતના દંડક કલ્પેશભાઈ માલાણી પરિવાર દ્વારા આયોજન
અગ્ર ગુજરાત, ધ્રોલ
ધ્રોલ તાલુકાના લતીપુર (કૃષ્ણપુર) ગામે આગામી સોમવારના રોજ એક ભવ્ય સામાજિક અને ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માલાણી પરિવારના કુળદેવી આઈ ખોડીયાર માતાજી, સુરાપુરા દાદા તેમજ રામદેવજી મહારાજની અસીમ કૃપાથી માલાણી પરિવારના આંગણે સંવત ૨૦૮૨ ના જેઠ વદ-૧ને સોમવાર, તા. ૦૧-૦૬-૨૦૨૬ ના શુભ દિવસે તોરણીયાના વિશ્વવિખ્યાત “નકલંક નેજાધારી રામામંડળ” નું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે.
કૃષ્ણપુર (લતીપુર) મુકામે આવેલા માલાણી પરિવારના કુળદેવી આઈ ખોડીયાર માતાજીના મંદિર પરિસરે યોજાનારા આ મહોત્સવમાં સોમવારે સાંજે ૦૫:૦૦ કલાકે ભગવાનનું ભવ્ય સામૈયું કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૦૫:૩૦ કલાકે પધારેલા તમામ ભાવિકો માટે ભોજન સમારંભ (મહાપ્રસાદ) યોજાશે. જ્યારે રાત્રે ૦૯:૦૦ કલાકે તોરણીયા મંડળના કલાકારો દ્વારા રામદેવજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત લોકપ્રિય આખ્યાન અને રામામંડળની રમઝટ બોલાવવામાં આવશે.
આ ધાર્મિક મહોત્સવમાં પધારવા માટે નિમંત્રક બાબુભાઈ પાંચાભાઈ માલાણી, જામનગર જિલ્લા પંચાયતના દંડક અને લતીપુર જીલ્લા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ બાબુભાઈ માલાણી, તથા જયદિપભાઈ બાબુભાઈ માલાણી દ્વારા તમામ સ્નેહીજનો, મિત્રમંડળ અને ધર્મપ્રેમી જનતાને સહપરિવાર ઉપસ્થિત રહી રામદેવજી મહારાજના આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે શુભેચ્છક તરીકે જય સરદાર એગ્રો સીડ્સ-ધ્રોલ અને ખેડુત ઈલેક્ટ્રોનિક્સ-ધ્રોલ જોડાયા છે.


