ધ્રોલમાં વણકર સમાજ દ્વારા સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
પૂજનીય સંતો અને પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, ધ્રોલ
ધ્રોલ તાલુકા અઢાર ગામ સમસ્ત વણકર સમાજ દ્વારા રવિવારના રોજ વાર્ષિક સાધારણ સભા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઝળકેલા સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારંભ ખૂબ જ ઉત્સાહભેર યોજાયો હતો. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યાના મહંત મહામંડલેશ્વર આત્મારામ બાપુ, ઘોઘાવદર દાસી જીવણ સાહેબની જગ્યાના મહંત શામળદાસ બાપુ તેમજ આમરણ ભીમ સાહેબની જગ્યાના મહંત ગુલાબદાસ બાપુ સહિતના પૂજનીય સંતો-મહંતોએ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
આ તકે મુખ્ય મહેમાન તરીકે કાલાવડ-૭૬ના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી અને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રાજુભાઈ જાદવ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સન્માન સમારંભમાં તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સમગ્ર વણકર સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા. પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો અને સંતોના હસ્તે શીલ્ડ, ગૌરવ પત્ર અને પુસ્તકો ભેટ આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ જ સમાજના ઉત્થાનનો સાચો માર્ગ છે અને આવા આયોજનોથી અન્ય બાળકોને પણ સખત મહેનત કરવાની પ્રેરણા મળે છે. કાર્યક્રમને સફળ બનાવવા વણકર સમાજના પ્રમુખ ધીરુભાઈ પરમાર, ઉપપ્રમુખ જી. એસ. રાઠોડ, મંત્રી નીતિનભાઈ ઝાલા તેમજ ખજાનચી દેવજીભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ, બહેનો, યુવાનો અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


