ઉપલેટામાં વોર્ડ નં.૯માં ગ્રાન્ટના વિવાદમાં પાલિકા કચેરીએ સ્થાનિક લોકોનો હલ્લાબોલ
એઆઈએમઆઈએમ સદસ્યની આગેવાનીમાં રહીશોએ કચેરી ગજવી : હાઇકોર્ટની ચીમકી આપી
આવેદનપત્ર સ્વીકારવા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન મળતા લોકોમાં સત્તાધીશોની પક્ષપાતી નીતિ સામે ભારે આક્રોશ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં રાજકીય દ્વેષભાવ અને ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવનો એક સળગતો મામલો સામે આવતા સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા ગત ૧૪ મે ૨૦૨૬ના રોજ પ્રમુખની ઓફિસમાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પસાર કરાયેલા વિવાદાસ્પદ ઠરાવ ક્રમાંક ૦૭ અન્વયે સરકાર તરફથી મળેલી વિવિધ યોજનાઓની સાડા સત્તર કરોડ રૂપિયાની મસમોટી ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર ૧ થી ૮ માં કરોડોના કાર્યો મંજૂર કરાયા છે. પરંતુ વોર્ડ નંબર ૯ ને રાજકીય કિન્નાખોરી રાખીને સદંતર અન્યાય કરી આ સમગ્ર આયોજનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
નગરપાલિકાના આ ખુલ્લા પક્ષપાત અને અન્યાયી વલણ સામે હવે જનતાનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર ૯ ના એઆઈએમઆઈએમ (AIMIM) પક્ષના ચૂંટાયેલા સદસ્ય ઈમરાનમીયા ઈકબાલમીયા પીરઝાદાની આગેવાની હેઠળ આશરે ૫૦૦ થી ૬૦૦ જેટલા રોષે ભરાયેલા સ્થાનિક રહીશોનું મોટું ટોળું નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરવા ઉમટી પડ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યારે પ્રજા પોતાની વ્યાજબી રજૂઆત અને આવેદનપત્ર આપવા પહોંચી, ત્યારે જવાબદારીમાંથી છટકવા નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કચેરીમાં હાજર નહોતા. સત્તાધીશોની આ ગેરહાજરીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને જનતાની પીડા સાંભળનાર કોઈ ન હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
પ્રાદેશિક કમિશનર અને જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્ર દ્વારા તંત્રને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે વોર્ડ નંબર ૯ ના નાગરિકો પણ નિયમિત કરવેરા ચૂકવે છે, જેથી તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવા એ બંધારણની કલમ ૧૪ હેઠળ સમાનતાના અધિકારનો અને કલમ ૨૧ હેઠળ ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનો સરેઆમ ભંગ છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ ની કલમ ૨૫૮ હેઠળ આ પક્ષપાતી ઠરાવની અમલવારી પર તાત્કાલિક સ્ટે મૂકી તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. જો આ ઠરાવ અટકાવી તમામ વોર્ડમાં ન્યાયિક રીતે ગ્રાન્ટની ફાળવણી નહીં થાય, તો આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરીને ધારદાર કાયદાકીય જંગ છેડવાની અને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની સજ્જડ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


