ઇથેનોલ ક્રાંતિ તરફ ભારતની દોડ
E85 ફ્યુઅલની એન્ટ્રી: પેટ્રોલ કરતાં ₹20 સસ્તુ
દિલ્હીમાં દેશનું પ્રથમ E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ, 85% ઇથેનોલ મિશ્રિત ઇંધણ ₹82.12 પ્રતિ લિટર; દિલ્હી-મુંબઈ-પુણે સહિતના શહેરોમાં 2026 સુધી 500 સ્ટેશનો સ્થાપવાનો રોડમેપ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકોને રાહત આપતું અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ ગણાતું નવું E85 ફ્યુઅલ બજારમાં ઉતાર્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના પુસા રોડ સ્થિત ઇન્ડિયન ઓઇલના રિટેલ આઉટલેટ ખાતે દેશના પ્રથમ E85 ફ્યુઅલ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ ઇંધણ હાલના પેટ્રોલ કરતાં લગભગ રૂ.20 પ્રતિ લિટર સસ્તુ હોવાથી વાહનચાલકો માટે આર્થિક રીતે ફાયદાકારક વિકલ્પ બની શકે છે.
E85 ફ્યુઅલમાં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. હાલમાં દેશભરમાં ઉપલબ્ધ E20 પેટ્રોલમાં મહત્તમ 20 ટકા ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે, જ્યારે E85 વધુ પ્રમાણમાં બાયોફ્યુઅલ આધારિત હોવાથી આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે. દિલ્હીમાં E85ની કિંમત રૂ.82.12 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે, જ્યારે સામાન્ય પેટ્રોલનો ભાવ રૂ.102.12 પ્રતિ લિટર આસપાસ છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ દ્વારા અંદાજે રૂ.1.85 લાખ કરોડની વિદેશી ચલણ બચાવી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ દેશમાં ઇંધણ પુરવઠાની સમસ્યા ઉભી થઈ નહોતી, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
જો કે E85 દરેક વાહન માટે યોગ્ય નથી. આ ઇંધણ માત્ર ફલેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતા વાહનોમાં જ ઉપયોગ કરી શકાય છે. ટોયોટા સહિત કેટલીક ઓટોમોબાઇલ કંપનીઓ આવા વાહનોના વિકાસ પર ભાર મૂકી રહી છે. સરકારનું માનવું છે કે આગામી વર્ષોમાં ફલેક્સ-ફ્યુઅલ વાહનોની સંખ્યા વધતાં E85નો ઉપયોગ પણ ઝડપી ગતિએ વધશે.
સરકારે દિલ્હી-એનસીઆર, મુંબઈ, પુણે અને નાગપુર સહિતના વિસ્તારોમાં 50થી 100 ઇથેનોલ આધારિત ફ્યુઅલ સ્ટેશનો સ્થાપવાની યોજના જાહેર કરી છે. હાલ 48 રિટેલ આઉટલેટ્સ પર E85 ઉપલબ્ધ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે. 2026ના અંત સુધીમાં દેશભરમાં આવા સ્ટેશનોની સંખ્યા 500 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પર્યાવરણની દૃષ્ટિએ પણ E85ને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ઇંધણના ઉપયોગથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 61 ટકા સુધી ઘટાડો શક્ય છે. સાથે સાથે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બનતા ઇથેનોલની માંગ વધતાં ખેડૂતોને પણ સીધો લાભ મળશે. પેટ્રોલિયમ મંત્રાલયનું માનવું છે કે આ પહેલ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યમાં ભારતને ઊર્જા ક્ષેત્રે વધુ સ્વાવલંબી બનાવશે.
શું છે E85 ફ્યુઅલ?
* 85% ઇથેનોલ + 15% પેટ્રોલનું મિશ્રણ
* ફલેક્સ-ફ્યુઅલ વાહનો માટે ખાસ તૈયાર
* પેટ્રોલ કરતાં વધુ પર્યાવરણમૈત્રી
* આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડે
કેટલી છે કિંમત?
* E85 ફ્યુઅલ: ₹82.12 પ્રતિ લિટર
* સામાન્ય પેટ્રોલ: ₹102.12 પ્રતિ લિટર
* સીધી બચત: ₹20 પ્રતિ લિટર
E85ના મુખ્ય ફાયદા
* ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 61% સુધી ઘટાડો
* દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બને
* ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત
* વિદેશી ચલણની બચત
* સ્વદેશી અને ટકાઉ ઇંધણ વિકલ્પ
ક્યાં મળશે E85 ફ્યુઅલ?
* દિલ્હીમાં પ્રથમ સ્ટેશન શરૂ
* કુલ 48 રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ
* દિલ્હી-એનસીઆર, મુંબઈ, પુણે અને *નાગપુરમાં વિસ્તરણ
* 2026 સુધી 500 સ્ટેશનોનું લક્ષ્ય
ભારતની ઇથેનોલ ક્રાંતિ
* E20 મિશ્રણનું લક્ષ્ય પહેલેથી હાંસલ
* અત્યાર સુધી અંદાજે ₹1.85 લાખ કરોડની બચત
* E100 ઇંધણ તરફ આગળ વધી રહ્યું ભારત
* આત્મનિર્ભર ઊર્જા ક્ષેત્ર માટે મોટું પગલું
E20થી આગળનું ઈથેનોલ મિશ્રણ: કરોડો વાહનચાલકો માટે શું બદલાશે?
દેશને ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતામાંથી મુક્ત કરવા અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી કેન્દ્ર સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને સતત આગળ ધપાવી રહી છે. હાલમાં દેશમાં મોટા ભાગના નવા વાહનો E20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જોકે સરકારે તાજેતરમાં E22થી E30 સુધીના વધુ ઈથેનોલ મિશ્રણવાળા ઈંધણના નવા ધોરણો જાહેર કર્યા બાદ વાહનચાલકોમાં મૂંઝવણ ઊભી થઈ છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ E20 માટે તૈયાર કરાયેલા વાહનોમાં લાંબા સમય સુધી વધુ ઈથેનોલવાળું ઈંધણ વાપરવામાં આવે તો ફ્યુઅલ સિસ્ટમના કેટલાક ભાગો પર અસર પડી શકે છે. ઈથેનોલ ભેજ ઝડપથી શોષી લેતું હોવાથી રબરની સીલ, ગેસ્કેટ, ફ્યુઅલ પંપ અને ઈન્જેક્ટર જેવા ભાગોના ઘસારા તથા એન્જિનના લાંબા ગાળાના પ્રદર્શન પર અસર થવાની શક્યતા રહે છે. માઈલેજમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં ઓટોમોબાઈલ ક્ષેત્રના જાણકારો માને છે કે E20 વાહનને E30 સુધી અપગ્રેડ કરવું ટેકનિકલી મુશ્કેલ નથી. એન્જિન કંટ્રોલ યુનિટની રી-કેલિબ્રેશન અને ફ્યુઅલ સિસ્ટમમાં મર્યાદિત ફેરફારો દ્વારા તે શક્ય બની શકે છે. જોકે આવી કોઈ પ્રમાણિત કન્વર્ઝન કિટ હાલમાં બજારમાં ઉપલબ્ધ નથી અને ઉત્પાદક કંપનીની મંજૂરી જરૂરી રહેશે.
બીજી તરફ E85 જેવા ઉચ્ચ ઈથેનોલ મિશ્રણ માટે વાહનમાં મોટા હાર્ડવેર ફેરફારો કરવાની જરૂર પડે છે. આ માટે ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા ખાસ વાહનો જરૂરી બને છે. દેશમાં હવે આવી ટેક્નોલોજી ધરાવતા વાહનોનું આગમન શરૂ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે હાલના વાહનચાલકોએ ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્યમાં વધુ ઈથેનોલવાળું ઈંધણ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે વિકલ્પરૂપે ઉપલબ્ધ કરાશે, જ્યારે દેશભરના કરોડો હાલના વાહનોને ધ્યાનમાં રાખીને E20 પેટ્રોલની સપ્લાય લાંબા સમય સુધી યથાવત રહેવાની પૂરી સંભાવના છે.


