વિરપુરમાં મહિલાઓ દ્વારા પવિત્ર પુરસોત્તમ માસનું મહત્વ સમજાવાયું
ભજન-કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, વિરપુર
યાત્રાધામ વીરપુર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે નવદીપ પાર્ક સોસાયટીમાં ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. સમગ્ર માસ દરમિયાન મહિલાઓ દ્વારા પુરુષોત્તમ ભગવાનની વિશિષ્ટ પૂજા-અર્ચના, ભજન-કીર્તન તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહિલાઓએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ માસને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ એવા પુરુષોત્તમ ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરાયેલ પૂજા, વ્રત, જપ-તપ, દાન અને સેવા વિશેષ ફળદાયી ગણાય છે.
નવદીપ પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા સમગ્ર માસ દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું વ્રત રાખી નિયમિત રીતે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. સાથે સાથે ભજન-કીર્તન, સત્સંગ, ધૂન અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા ભગવાનની ભક્તિમાં લીન બનીને આધ્યાત્મિક લાભ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
મહિલાઓએ પુરુષોત્તમ માસની મહિમા અને વિશિષ્ટતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ માસ આત્મશુદ્ધિ, સદાચાર, દાન અને ભક્તિ માટેનો શ્રેષ્ઠ અવસર છે. આ સમય દરમિયાન વધુમાં વધુ ધાર્મિક કાર્યો, ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા તેમજ દાન-પુણ્ય કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
સમગ્ર વિસ્તારમાં પુરુષોત્તમ માસને લઈને ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મહિલાઓની આ ભક્તિમય પ્રવૃત્તિઓથી નવદીપ પાર્ક સોસાયટીમાં આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ સર્જાયો છે.


