મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બે દિવસ દિલ્હીમાં, વિવિધ મુદ્દે ચર્ચા
આવતીકાની કેબીનેટ મોકુફ : નીતિ આયોગની બેઠકમાં ગુજરાતના વિકાસનો રોડ મેપ મૂકશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસને પગલે ગાંધીનગરમાં મંગળવાર અને બુધવારે યોજાનારી જનતા તેમજ લોકપ્રતિનિધિઓ સાથેની તમામ મુલાકાતો સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, બુધવારે નિયમિતપણે મળનારી રાજ્ય કેબિનેટની બેઠક પણ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 11 જૂનના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનો છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના સર્વાંગી વિકાસ માટેનો આગામી વર્ષોનો નવો રોડ મેપ અને માળખાકીય સુવિધાઓનો ચિતાર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાનારા વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ સીએમ અને ડેપ્યુટી સીએમ ખાસ હાજરી આપશે.
દિલ્હી પ્રવાસ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના ટોચના મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પણ ગુજરાતના નેતૃત્વની વન-ટુ-વન મુલાકાત થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ બેઠકોમાં ગુજરાતના પડતર પ્રશ્નો, આગામી પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય ફંડની મંજૂરી અને સંગઠનને લગતી મહત્વની ચર્ચાઓ થઈ શકે છે. આ બે દિવસીય દિલ્હી પ્રવાસના કારણે ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય હલચલ તેજ બની ગઈ છે અને વહીવટી તંત્ર જરૂરી રિપોર્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યું છે.


