રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ
બે જ વર્ષમાં મસમોટી તિરાડો પડી, એક તરફથી રોડ બેસી ગયો!
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ, ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ભેરાઇ રોડ નજીક આવેલ હર્ષનગર સોસાયટી અને સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર વિસ્તારમાં સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ થયો હોવાનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. અહીં અંદાજે બે વર્ષ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવી નીતિ અપનાવી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક સૂત્રો અને રહીશો પાસેથી મળતી માહિતી મુજબ, આ નવનિર્મિત આરસીસી રોડ હજુ તો માંડ બે વર્ષ જૂનો છે ત્યાંજ તેમાં ઠેર-ઠેર મસમોટી તિરાડો પડવા લાગી છે. એટલું જ નહીં રોડ એક બાજુથી નીચે બેસી ગયો છે. રોડની આવી દયનીય સ્થિતિ જોતા સ્પષ્ટ સાબિત થાય છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરીને કામ કરવામાં આવ્યું છે. રોડની બિસ્માર હાલત જોઇને સ્થાનિક નાગરિકોમાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, સરકારી ચોપડે મજબૂત રસ્તાઓના દાવા થાય છે પણ વાસ્તવિકતામાં કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આ ઘટનાથી જનતાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. શું? કોન્ટ્રાક્ટરો પર નગરપાલિકાના કોઇ અધિકારીઓનો અંકુશ નથી? રોડના નિર્માણ સમયે ગુણવત્તાની ચકાસણી કેમ કરવામાં ન આવી? નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? સહિત વિવિધ સવાલો ઉઠ્યા છે. હાલમાં રાજુલા શહેરના અન્ય વિસ્તારો અને સોસાયટીઓમાં પણ નવા આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હર્ષનગર જેવી નબળી કામગીરી ન થાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાય અને રસ્તાનું રિપેરિંગ કામ તાત્કાલિક ધોરણે ફરીથી યોગ્ય ગુણવત્તા સાથે કરવામાં આવે જેથી ભવિષ્યમાં શહેરીજનોને હાલાકી ભોગવવી ન પડે. આગામી સમયમાં શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.


