જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરૂ
જમીન માપણી વિવાદમાં ભાજપ નેતા-ભત્રીજાની હત્યા
ટંકારાના મેઘપર ઝાલા ગામે શેઢા પાડોશીએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી લોથ ઢાળી દીધી : બે સગા ભાઇ સામે ગુનો દાખલ : ગામ સહિત સમગ્ર પંથકમાં મચેલી ચકચાર : પરીવાર શોકાતુર
અગ્ર ગુજરાત, મોરબી
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીનની માપણી દરમિયાન જૂની અદાવતને લઈને સર્જાયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જમીનની હદ નક્કી કરવા ખુંટા મારવાની કામગીરી દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી કાકા અને ભત્રીજાની નિર્મમ હત્યા કરી નાખ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા મેઘપર ઝાલા ગામે રહેતા ૪૮ વર્ષીય દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાએ તેમના જ ગામના આરોપી મહેન્દ્રસિંહ મહાવિરસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીની ભોગવટાવાળી જમીનમાં ફરીયાદીથી તથા તેમના દિકરા મરણ જનાર હર્ષવર્ધનસિંહ (ઉ.વ.૨૨) તથા તેનાભાઈ તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયપાલસિંહ (ઉ.વ.૪૦) વાળાઓ જમીન માપણી કરાવી શેઢાના ભાગે ખુંટા મારતા હતા અને તેઓની બાજુમાં આરોપીઓના પિતા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ હોય.
તેઓના બન્ને દિકરાઓ આરોપીઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વાળાઓને માપણી કરી ખુંટા મારતા હોય જે સારૂ નહીં લાગતા તેઓ બન્ને મોટરસાઇકલ લઇ વાડીએ આવી ફરીયાદીના દિકરા તથા ભાઇને છરીઓ વડે આડેધડ શરીરના ભાગે ઘા મારી ગંભીર પ્રકારની ઇજાઓ કરી બન્નેના મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બેવડી હત્યાની જાણ થતાં જ ટંકારા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો મેઘપર ઝાલા ગામે દોડી ગયો હતો. ગામમાં પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ (PM) અર્થે ટંકારાની સરકારી/સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
આગેવાનો ઉમટયા
ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના યુવાન ભત્રીજાની ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે સ્થાનિક રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોની વિધિવત ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


