વલ્લભીપુરના તોતણીયાળામાં પોલીસ દારૂના હપ્તા ઉઘરાવે છે : સરપંચ મોરી
સરપંચ ગંભીરસિંહના આક્ષેપથી સમગ્ર પંથકમાં ચકચાર મચી
અગ્ર ગુજરાત, વલ્લભીપુર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી શું માત્ર કાગળ પર જ છે? વલભીપુરના તોતણીયાળા ગામના સરપંચે પોલીસ પર એવા સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે કે જાણીને તમે પણ ચોંકી જશો.
તોતણીયાળા ગામના સરપંચ ગંભીર સિંહ મોરીએ વલભીપુર પોલીસ પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, વલભીપુર પોલીસ દેશી દારૂના વેચાણ માટે હપ્તા ઉઘરાવે છે. સરપંચનું કહેવું છે કે, તેમણે અવારનવાર વલભીપુર પી.આઈ. ભલગરીયાને ફોન કરીને આ અંગે જાણ કરી છે, પરંતુ પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠના કારણે બુટલેગરો બેફામ બન્યા છે.
સ્થિતિ એટલી હદે વણસી છે કે ગામના યુવાનો આ ઝેરી દેશી દારૂ પીને બીમાર પડી રહ્યા છે. એટલું જ નહીં, આ હલકા અને ઝેરી દારૂના સેવનથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. સરપંચે રોષ વ્યક્ત કરતા કહ્યું કે બુટલેગરોને જાણે પોલીસનું પીઠબળ હોય તેમ દારૂના હાટડા ધમધમી રહ્યા છે.
હવે સરપંચે ભાવનગરના એસ.પી. નિતેશ પાંડેને સીધી અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક અસરથી વલભીપુર વિસ્તારમાં ચાલતા આ દેશી દારૂના હાટડા બંધ કરાવે. સાથે જ તેમણે એસ.પી.ને પડકાર ફેંકતા કહ્યું છે કે, જો તેમને દારૂબંધીની પોલ જાણવી હોય, તો તેઓ તોતણીયાળા ગામની મુલાકાત લે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ ગંભીર આક્ષેપો બાદ શું કાર્યવાહી કરે છે.


