સુરક્ષાના સાત તાળા તૂટ્યા
રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા
સીસીટીવી કેમેરા અને લોખંડની જાળી તોડી પૂર્વ આયોજિત રીતે ભાગ્યા; હજુ છ સગીરો ફરાર, 13 પોલીસ ટીમો શોધખોળમાં, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર આરોપીઓ એકસાથે ફરાર થઈ જતાં પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ત્રણ દિવસ અગાઉ જ ફરીથી બાળ સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવેલા એક કુખ્યાત બાળ આરોપીએ અન્ય સગીરો સાથે મળીને ભાગવાનો પ્લાન ઘડ્યો હોવાનું ખુલ્યું છે. ઘટનાના કલાકોમાં જ એક પાકિસ્તાની સગીર પોતાની મેળે પરત ફર્યો હતો, જ્યારે ચારને લીમડી અને વિરમગામ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જોકે હજુ છ સગીરો પોલીસની પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ માટે 13 ટીમોને કામે લગાડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા સગીર આરોપીઓએ વહેલી સવારે તકનો લાભ લઈ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો. બાળકોના બે જૂથે મળીને આયોજનબદ્ધ રીતે ભાગવાની યોજના બનાવી હતી. એક તરફ કેટલાક બાળકો વોર્ડનનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ અન્ય સગીરોએ પાછળના ભાગમાં આવેલી મજબૂત લોખંડની જાળી તોડી નાસી છૂટવાનો માર્ગ તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, તેમની હિલચાલ કેમેરામાં કેદ ન થાય તે માટે ઉપર લગાવાયેલ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
એકસાથે 11 બાળકો ભાગી જવાના બનાવની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરાવી હતી. બાળ સંરક્ષણ ગૃહ જેવી સંવેદનશીલ સંસ્થામાંથી આટલી મોટી સંખ્યામાં સગીરો ફરાર થતાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કલેક્ટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના કોઈ અચાનક બનેલી નથી, પરંતુ સંપૂર્ણપણે પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ છે. બાળકો દ્વારા કેમેરા તોડવાથી લઈને વોર્ડનનું ધ્યાન અન્યત્ર દોરવા માટે કરાયેલા પ્રયાસો સુધી દરેક બાબત તેમના આયોજનનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બીજી તરફ શહેર પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી તથા અન્ય શાખાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરની બહાર જતાં મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન બે બાળ આરોપીઓ લીમડી અને બે વિરમગામ પહોંચ્યા હોવાની ચોક્કસ માહિતી મળતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચારેયને કસ્ટડીમાં લઈ ફરીથી રાજકોટ લાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર ગણાતો એક બાળ આરોપી અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. તે અગાઉ પણ બાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગી છૂટ્યો હતો અને થોડા દિવસ પહેલાં જ ફરીથી પકડીને અહીં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અન્ય સગીરો સાથે મળીને ફરીથી ભાગવાની યોજના બનાવી હતી. પોલીસે હાલ આ બાળ આરોપીને પણ ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ બાળ સંરક્ષણ ગૃહની આંતરિક વ્યવસ્થા અને સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. અગાઉ પણ અહીં સગીરો વચ્ચે મારામારી, તોડફોડ તેમજ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો સામે આવ્યા હતા. તેમ છતાં સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. જો આવી બેદરકારીના કારણે સગીરો કોઈ ગંભીર અઘટિત કૃત્ય આચરે તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું એ છે કે ફરાર થયેલા સગીરો સામાન્ય ગુનાઓમાં નહીં પરંતુ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા. કેટલાક સામે હત્યા, હત્યાની કોશિશ, પોક્સો, લૂંટ, હથિયાર રાખવા, ધમકી આપવા અને ગંભીર ગુનાના કાવતરાં જેવા કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ સગીરોની ઝડપી શોધખોળ પોલીસ માટે પ્રાથમિકતા બની છે.
હાલ પોલીસની 13 વિશેષ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બાકીના છ સગીરોને પણ ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે. જોકે આ ઘટનાએ રાજકોટના બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી દેખરેખ અંગે ગંભીર ચર્ચા છેડી દીધી છે.


