સોમવાર નહીં, ‘સરગમવાર’! 800થી વધુ દર્શકોએ સિનેપોલિસમાં સર્જ્યો પ્રેમનો મહોત્સવ
ભાવ, ભરોસો અને ભાઈબંધીની કહાની ‘સરગમ’ને મળ્યો દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાવ, ભરોસો અને ભાઈબંધીના સુંદર સંબંધોને ઉજાગર કરતી આ ફિલ્મ આજે દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. “સોમવાર સરગમવાર”ના અનોખા આયોજન અંતર્ગત સિનેપોલિસ ખાતે 800થી વધુ દર્શકોએ એકત્રિત થઈ ફિલ્મ સરગમ અને તેના કલાકારોને હૃદયપૂર્વક વધાવી લીધા હતા. દર્શકોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે સિનેપોલિસની ચારેય સ્ક્રીન હાઉસફુલ રહી હતી.
આ પ્રસંગે ફિલ્મના લેખક અને મુખ્ય અભિનેતા હર્ષલ માંકડ હેયાન, અભિનેતા હર્ષિત ઢેબર, નિર્માતા યોગીરાજસિંહ જાડેજા, દિગ્દર્શક નીલેશ ચોવટીયા, ક્રિએટિવ હેડ ઉદય જાદવાની તેમજ કલાકારો ચેતસ ઓઝા, ભાવિક દોષી, હર્ષ ગઢિયા અને યજ્ઞેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. દર્શકોએ તમામ કલાકારો અને ટીમના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે યાદગાર ક્ષણો માણી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. તેમના પ્રયત્નોથી સમગ્ર આયોજન ભવ્ય અને સફળ રહ્યું હતું, જેના માટે ફિલ્મ ટીમે તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
અભિલાષ ઘોડા પ્રસ્તુત સરગમ તેની લાગણીસભર કહાની, મજબૂત અભિનય અને હૃદયસ્પર્શી સંદેશાના કારણે સતત ચર્ચામાં છે. પરિવાર, મિત્રતા, વિશ્વાસ અને સંબંધોની ઉષ્માને રજૂ કરતી આ ફિલ્મને દરેક વર્ગના દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે.


