સિક્કા અને નાની નોટોની અછતથી દુકાનદારો-ગ્રાહકો વચ્ચે થતી રકઝક
અછત બાબતે તાત્કાલીક નિર્ણય લેવા સરકારમાં શહેર કોંગ્રેસ મહામંત્રીની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સહિત દેશભરના રિટેલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી છૂટ્ટા પૈસા, સિક્કા અને નાની નોટોની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. સામાન્ય નાગરિકોથી લઈને નાના વેપારીઓ, શાકભાજી વેચાણકારો, પાન-ચાની લારીઓ, દૂધ વિક્રેતાઓ, ઓટો-રિક્શા ચાલકો તેમજ વિવિધ રિટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રોજબરોજ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર અને બેન્કિંગ તંત્ર માટે આ માત્ર એક સામાન્ય બાબત નહીં પરંતુ સીધી રીતે પ્રજાના દૈનિક જીવનને અસર કરતો પ્રશ્ન છે.
ઘણી વખત ગ્રાહક પાસે મોટી નોટ હોય છે અને દુકાનદાર પાસે પરચૂરણ ન હોવાથી વ્યવહારમાં વિલંબ થાય છે. અનેક પ્રસંગોએ ગ્રાહક અને વેપારી વચ્ચે બોલાચાલી, ગેરસમજ અને અનિચ્છનીય ઘર્ષણ પણ સર્જાય છે. માત્ર પાંચ, દસ કે વીસ રૂપિયાના પરચૂરણના પ્રશ્ને વેપારિક સંબંધોમાં તણાવ ઊભો થવો એ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. આ સમસ્યાનો ભોગ સૌથી વધુ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો બની રહ્યા છે.
ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે હજુ પણ લાખો લોકો રોકડ વ્યવહારો પર આધારિત છે. ગ્રામ્ય વિસ્તારો, નાના શહેરો અને પરંપરાગત બજારોમાં રોકડ વ્યવહારનું પ્રમાણ આજે પણ નોંધપાત્ર છે. આવા સમયે નાની નોટો અને સિક્કાઓની અછતથી વેપાર પ્રભાવિત થાય છે અને ગ્રાહકોને પણ અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને જાહેર ક્ષેત્રની બેન્કો સાથે સંકલન કરીને તાત્કાલિક ધોરણે તમામ બેન્ક શાખાઓમાં પૂરતા પ્રમાણમાં ₹10, ₹20, ₹50 અને ₹100ની નોટો તેમજ સિક્કાઓ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. વેપારીઓ માટે વિશેષ પરચૂરણ કાઉન્ટર શરૂ કરવા, સાપ્તાહિક ધોરણે નાની નોટોનું વિતરણ વધારવા અને બેન્કોને જરૂરી માર્ગદર્શન આપવા જેવા પગલાં પણ લેવા જરૂરી છે. તેવી રજુઆત રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી મયુર શાહે કરી છે.


