કુખ્યાત રામદેવ ડાંગર ગેંગ પર ગુજસીટોકનો સકંજો, ત્રણ ઝડપાયા
હત્યા, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ સામે કાર્યવાહી; ત્રણ ઝડપાયા, બે ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં ગુનાખોરી પર વધુ એક પ્રહાર કરતાં ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત રામદેવ ડાંગર અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે બેની શોધખોળ ચાલુ છે.
પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. એડીશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયાની દેખરેખ હેઠળ ટીમે ગેંગ વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે થોડા સમય અગાઉ નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગના બનાવમાં રામદેવ ડાંગરની સંડોવણી હતી. ઉપરાંત ગેંગને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં ભરત કુગસિયાની ભૂમિકા પણ બહાર આવી હતી. આ તમામ હકીકતોને આધારે પોલીસે રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા, ભરત રઘુ કુગસિયા, સતીશ મેરામ બાલાસરા અને જનક મુળુ ડાંગર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ પાંચેય આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓના મળીને આશરે 30 કેસ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે રામદેવ ડાંગર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે ભરત કુગસિયા અને અન્ય એક આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુલ નવ ગુનાહિત ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીઓમાં 100થી વધુ આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. શહેરમાં સંગઠિત ગુનાખોરીને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા સતત કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


