સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ
હિન્દુ સેવા સમિતિએ રોષભેર આવેદનપત્ર પાઠવી કામગીરી અટકાવવા અન્યથા અન્ય સ્થળે જમીન ફાળવવા માંગ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સોમનાથમાં ત્રિવેણી સંગમ તટની બાજુમાં વરસો જૂનું નવજાત મૃત બાળકોને દફનાવવા માટેના બાળ સ્મશાનની જગ્યા ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા કસ્તર, માટી નાખી બુરી દેવાની કામગીરી ચાલુ કરી હોય જેની સામે હિન્દુ સમાજમાં રોષ પ્રસર્યો છે. આ બાબતે હિન્દુ સેવા સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવી બુરવાની કામગીરી અટકાવવા અન્યથા બાળ સ્મશાન માટે અન્ય સ્થળે જમીન ફાળવવા માંગ કરી છે.
સોમનાથ હિન્દુ સમિતિના ઉકાભાઇ ગઢીયા, દિનેશ બામણીયા, ચેતન પરમાર, પ્રવીણ ચુડાસમા, હેમલ ભટ્ટ , જયવર્ધન જાની, વિજય દેવળીયા, ભાવિન શામળા, રાજેશ ચાવડા સહિતના અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવેલ કે, સોમનાથમાં ત્રિવેણી સંગમની બાજુમાં વર્ષોથી કાર્યરત બાળ સ્મશાનને બંધ કરી દેવા હેતુસર સોમનાથ ટ્રસ્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી લોકોમાં રોષ પ્રસરેલ છે.
કારણ કે, બાળ સ્મશાનની જગ્યા ઉપર કસ્તર તથા માટી નાખવાની કામગીરી અવિરત ચાલી રહી હોવાથી લોકોએ બાળકોને ક્યાં દફનાવા તે પ્રશ્ન ઉભો થયો છે. આ બાળ સ્મશાનનો વેરાવળ- સોમનાથ સહિત આસપાસના અનેક ગામોના સર્વે સનાતનીઓ વર્ષોથી ઉપયોગ કરે છે. જો કોઈ આકસ્મિક બનાવ બને તો મૃત બાળકોની અંતિમવિધિ કરવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન ઉભો થશે ? જેથી બાળ સ્મશાન વિશે સત્વરે કોઈ કાર્યવાહી કરી બાળ સ્મશાનને ફરી ચાલુ કરાવો અથવા તો અન્ય કોઈ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ અંતમાં કરી છે. આ બાબતે જો સત્વરે કોઈ નિર્ણય નહીં લેવાય તો સર્વે હિન્દુ સમાજને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.


