કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
૫૦ ટકા કામગીરી પૂર્ણ, ડિસેમ્બરના અંતમાં પૂર્ણ કરવા આયોજન : હિરાસર પાસેના ફલાયઓવરનું કામ પણ વર્ષના અંતમાં પૂર્ણ થશે : સિવિલમાં નવો PM રૂમ બનાવવા એજન્સીની નિમણુંક
રાજકોટ-જેતપુર હાઇવે પર સર્વિસ રોડ જરૂરિયાત મુજબ વધારવા સૂચના : જિલ્લામાં ૧૯ પેટા આરોગ્ય કેન્દ્ર અને PHC માટે ગાંધીનગર દરખાસ્ત કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ તરફથી વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા તરફથી કુવાડવા બ્રિજની કામગીરી અને ત્યાં થતી ટ્રાફિક સમસ્યા, જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ચાલતા રોડ પેચવર્ક, નવા આરોગ્ય ભવન સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, કુવાડવા બ્રિજનું ૫૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લામાં હાલ ૨૩ માર્ગોનું પેચવર્ક પૂર્ણ થઈ ગયું છે, જ્યારે છ માર્ગો પર પેચવર્કનું કામ બાકી છે અને આગામી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લામાં નવા ૧૩ આરોગ્ય ભવનના નિર્માણ ચાલી રહ્યા છે અને એક પી.એચ.સી. અને ૧૯ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા ગાંધીનગર દરખાસ્ત કરાઈ છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તરફથી હિરાસર પાસે ફ્લાયઓવર, સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક તપાસ, રાજકોટ-જેતપુર હાઈવે પર સર્વિસ રોડ તથા બ્રિજની કામગીરી, પદ્મકુંવર બા હોસ્પિટલમાં સાફસફાઈ તથા સ્ટાફની અછત વગેરે પ્રશ્ન રજૂ થયા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, હીરાસર પાસેના ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તેવા આયોજન સાથે કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં તબીબી અધ્યક્ષ દ્વારા થયેલા આકસ્મિક ચેકીંગ દરમિયાન જણાયેલી ઉણપ માટે લેવાયેલ પગલાં સહિતની વિગત રજૂ કરવામાં આવી હતી. પી.ડી.યુ.માં છેલ્લા પાંચેક માસથી કેથલેબ શરૂ થઈ ગઈ છે અને હવે તેને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આમ અહીં હાર્ટને લગતા દર્દીઓ માટે સારવાર વ્યવસ્થા શરૂ ગઈ છે. સિવિલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવા એજન્સીની નિમણૂક કરી દેવામાં આવી હોવાનું સિવિલના તબીબી અધિક્ષક તરફથી જણાવાયું હતું. રાજકોટ-જેતપુર હાઈવે પર જ્યાં જરૂર જણાય ત્યાં સર્વિસ રોડની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. પદ્મકુંવર બા હોસ્પિટલમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી છે અને મચ્છરોના ત્રાસ માટે નિયમિત ફોગિંગ કરવામાં આવે છે.
સાંસદ રામભાઈ મોકરીયા તરફથી પી.જી.વી.સી.એલ.ની પ્રીમોન્સુન કામગીરી તેમજ અયોધ્યા સૂચિત સોસાયટીનો પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં શહેરમાં તમામ ફિડરોમાં પ્રીમોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. જ્યારે અયોધ્યા સહિતની સૂચિત સોસાયટીના વિવિધ પ્રશ્નો હલ કરવા સમિતિની રચના કરીને આગળ કાર્યવાહી કરવા કલેકટરે સૂચના આપી હતી.
આ ઉપરાંત સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તરફથી આવેલા વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લઈને, તેના ઉકેલ માટે યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રી તરફથી જસદણ-સુરત રૂટની એસ.ટી. બસને આટકોટ સુધી લંબાવવાની આવેલી રજૂઆત પરત્વે જણાવાયું હતું કે, આ બસ સેવા ૧૫મી જૂનથી શરૂ કરી દેવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ પોલીસ અધિક્ષક ઝોન-૨ રાકેશ દેસાઈ, આસિ. ક્લેક્ટર ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


