સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
યોગથી મનુષ્યનો શારીરિક, માનસીક અને બૌધિક વિકાસ સારી રીતે થાય છે : કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી
અગ્ર ગુજરાત, રાજકોટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એકઝીકયુટીવ કાઉન્સિલના સભ્યો, ડીન, કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા, ભવનોના અધ્યક્ષો, શૈક્ષણીક અને વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ૨૧, જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિન” તરીકેની ઉજવણી કરવાના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિથી પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૧ જૂનના રોજ ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે સામૂહિક યોગના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યોગ એ આપણી વર્ષો જૂની ઋષીકાળથી ચાલી આવતી પ્રાચીન ભારતની પરંપરા છે. ભારતના વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંધની સભામાં સમગ્ર વિશ્વ સમક્ષ યોગનું શું મહત્વ છે અને યોગ શા માટે જરૂરી છે તેના વિશે માહિતી આપતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તા. ૨૧ જૂનના દિવસને ‘આતંરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવેલ છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સ્વસ્થ જીવનશૈલી માટે યોગ ઉપયોગી છે. આપણે દૈનિક ક્રિયામાં યોગનો સમાવેશ કરવો જોઈએ. યોગના કારણે મનુષ્યનો શારીરિક, માનસીક અને બૌધિક વિકાસ સારી રીતે થાય છે. યોગ એ શાંતીનું પ્રતિક છે. ૨૧ મી જુન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આપણે કહીએ છીએ તેમ યોગ ભગાવે રોગ. આપણે સંકલ્પ કરીએ કે આપણે દૈનિક યોગ કરીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યોગની જાગૃતિ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે પુનઃ એમ.ઓ.યુ. પણ કર્યા છે.
આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોઓ, ડીન, એકઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યો, કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા, વિવિધ ભવનોના અધ્યક્ષો, પ્રાધ્યાપકો, યુનિવર્સિટીના વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિયમિત વોકીંગ કરવા આવતા નગરજનો તેમજ સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતા.


