રાજકોટમાં દર ૧૫ મિનિટે યોગા સેન્ટરનો પ્રારંભ
મુખ્યમંત્રીએ રાજકોટ મનપાની નવતર પહેલને આવકારી : પ્રથમ દિવસે ઉમટી પડેલા નગરજનો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીને માત્ર એક દિવસીય કાર્યક્રમ પૂરતી મર્યાદિત રાખવાને બદલે, યોગને શહેરના નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અને આરોગ્યપ્રદ, તંદુરસ્ત તથા સુખાકારીયુક્ત સમાજના નિર્માણ માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભૂતપૂર્વ પહેલના પરિણામે રાજકોટ દેશનું પ્રથમ “૧૫ મિનિટ યોગ સિટી” બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ માણસા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં રાજકોટ મહાનગરપાલિકાની દેશભરમાં સૌ પ્રથમ અને નવતર પહેલ “15 મિનિટ યોગ સિટી” બદલ અભિનંદન પાઠવવા હતા જે બદલ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે આયોજિત ભવ્ય યોગ કાર્યક્રમ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર દ્વારા રાજકોટ શહેરમાં વર્ષના તમામ ૩૬૫ દિવસ નાગરિકોને સરળતાથી, સુલભ રીતે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક યોગ તાલીમ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ મહત્ત્વાકાંક્ષી યોજનાના અમલીકરણ માટે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જાહેર બગીચાઓ, પાર્ક, કોમ્યુનિટી હોલ, વોર્ડ કક્ષાના કેન્દ્રો, ઓપન સ્પેસ તથા અન્ય જાહેર ઉપયોગના સ્થળોની વ્યાપક ઓળખ અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત કુલ ૪૨૬ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી હાલના તબક્કે ૪૧૯ સ્થળોએ નિયમિત યોગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. બાકીના સ્થળોએ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થયેથી ટૂંક સમયમાં યોગ પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવશે.
આ યોગ કેન્દ્રોમાં દરરોજ નિયમિત યોગ સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ વયજૂથના નાગરિકો – બાળકો, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ કર્મચારીવર્ગ – પોતાની અનુકૂળતા મુજબ ભાગ લઈ શકશે. ખાસ કરીને આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં યોગ માનસિક શાંતિ, શારીરિક સ્ફૂર્તિ, એકાગ્રતા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યો છે. આ યોજનાથી શહેરીજનોમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધશે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
તા.૨૨-૦૬-૨૦૨૬ના રોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલા આ યોગ કેન્દ્રો ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો. અનેક સ્થળોએ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને યુવા વર્ગની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી, જે રાજકોટ મહાનગરપાલિકાની આ નવતર પહેલ પ્રત્યે શહેરજનોમાં રહેલા સકારાત્મક પ્રતિસાદને દર્શાવે છે.


