- છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી.
- એનસીઆરબીના આંકડા મુજબ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન દેશભરમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું: દેશમાં સરેરાશ દરરોજ ૪૦થી વધુ કિશોર આત્મહત્યા કરે છે.
- શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે કોણ જવાબદાર?: ડૉ.મનીષ દોશી
- ગુજરાતમાં અને દેશમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની આત્મહત્યા: ભાજપ સરકારનું ‘વાઇબ્રન્ટ’ શિક્ષણ મોડેલ યુવાનો માટે જીવલેણ સાબિત થયું: ડૉ.મનીષ દોશી
- વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪માં બાળકોમાં આત્મહત્યાના કેસોમાં લગભગ ૧૬% જેટલો વધારો નોંધાયો છે.
વિદ્યાર્થીઓના તૂટી રહેલા સપનાઓ અને વધતી નિરાશા પાછળ નિષ્ફળ નીતિઓ, બેફામ પેપર લીક, પરીક્ષાનું અસહ્ય દબાણ અને ભયંકર બેરોજગારી માટે સીધી રીતે જવાબદાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે અને સરકાર માત્ર જાહેરાતોમાં જ મસ્ત રહે, દેશ અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આજે અસહ્ય માનસિક દબાણ, પરીક્ષા કૌભાંડો અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે જીવન જીવી રહ્યા છે. દુઃખની વાત એ છે કે આ દબાણ હવે વિદ્યાર્થીઓના સપનાઓ જ નહીં, તેમના જીવન પણ છીનવી રહ્યું છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪માં બાળકોમાં આત્મહત્યાના કેસોમાં લગભગ ૧૬% જેટલો વધારો નોંધાયો છે. એનસીઆરબીના આંકડા મુજબ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન દેશભરમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું છે એટલે કે દેશમાં સરેરાશ દરરોજ ૪૦થી વધુ કિશોર આત્મહત્યા કરે છે. આ જ સમયગાળામાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૧૨,૫૯૮ યુવાનોએ પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી છે. આ માત્ર આંકડા નથી. આ દરેક આંકડાની પાછળ એક પરિવારનો આક્રંદ, એક માતા-પિતાનું તૂટેલું સ્વપ્ન અને એક યુવાનનું અધૂરું ભવિષ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NEET, JEE, CUET, GPSC, UPSC સહિતની અનેક પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને કૌભાંડો સામે આવ્યા છે. દરરોજ સરેરાશ પાંચથી વધુ યુવાનો માત્ર પરીક્ષામાં નિષ્ફળતાને કારણે મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરે, પરિવારો લાખો રૂપિયાની ફી ભરે અને અંતે સિસ્ટમ જ તેમના વિશ્વાસ સાથે દગો કરે તેનાથી મોટી કરુણતા શું હોઈ શકે?
રાજ્ય સતત વધી રહેલા વિદ્યાર્થીઓના આત્મહત્યાના ચોંકાવનારા આંકડાઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. એક જ વર્ષમાં ગુજરાતમાં ૫૬૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. આ ગુજરાત માટે ચિંતાજનક બાબત છે.ગુજરાતમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૫૧,વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૬૧, વર્ષ ૨૦૨૩ -૨૪માં ૧૮૩ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૬૮ વિદ્યાર્થીઓની આત્મહત્યા કરી. દેશમાં માત્ર વર્ષ ૨૦૨૪માં જ ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ડિગ્રી બાદ નોકરીની કોઈ ખાતરી નથી, ભરતી પરીક્ષાઓ વર્ષો સુધી અટકી રહે છે. યુવાનોમાં નિરાશા કેમ નહીં ફેલાય? પેપર લીક, ભરતી કૌભાંડો અને ગેરરીતિઓએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપ સરકાર રમત રમી છે. પરીક્ષા કૌભાંડો માટે જવાબદાર કોણ? શું આ માટે કોઈ મોટા અધિકારી કે રાજકીય જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી થઈ છે? પરીક્ષા પ્રણાલી સુધારવા માટે શું પગલાં લીધા? દર વર્ષે નવી ગેરરીતિ બહાર આવે છે, પરંતુ જવાબદારી કોઈ લેતું નથી. પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે કડક અને વિશેષ કાયદો બનાવવામાં આવે, રાજ્યની દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત માનસિક આરોગ્ય સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્પલાઈન શરૂ કરવામાં આવે, ભરતી અને પ્રવેશ પરીક્ષાઓ માટે સંપૂર્ણ પારદર્શક અને સમયબદ્ધ પ્રણાલી અમલમાં મૂકવામાં આવે, વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિશેષ તપાસ અને નીતિ ઘડવામાં આવે, એક પણ વિદ્યાર્થીનું જીવન રાજકીય અને વહીવટી નિષ્ફળતાથી ન ગુમાવવું જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે
ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા
૨૦૨૦-૨૧ ૧૫૧
૨૦૨૧-૨૨ ૧૬૧
૨૦૨૩-૨૪ ૧૮૩
૨૦૨૪-૨૫ ૫૬૮
કુલ ૧૦૬૩


