ખેડૂતોના પ્રશ્ને હવે કોંગ્રેસ પગપાળા યાત્રા કરશે
તા.૨૯મીથી વ્રજવાણીથી યાત્રા કાઢી વિવિધ ગામડાઓમાં ફરશે : ધ્રાંગધ્રાથી દ્વારકા સુધીનું એલાન, ભગવાનને ધ્વજા ચડાવી સરકારને સદબૃધ્ધિ આપવા કરશે પ્રાર્થના
અગ્ર ગુજરાત, રાજકોટ
કિસાન કોંગ્રેસ અને કોંગ્રેસ સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતો મુદ્દે વધુ એક યાત્રા કરવાની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના જ નેજા હેઠળ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આગામી 26 તારીખથી વ્રજવાણીથી પદપાળા કાશી કાઢીને અલગ અલગ ગામડાઓમાં ફરશે. તો બીજી યાત્રા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી કાઢવામાં આવશે તેમાં પણ ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ પગપાળા ગામેગામ જશે. જે બાદ બંને યાત્રા ભેગી થઈને દ્વારકા પહોંચશે. જ્યાં દ્વારકાધીશના મંદિરે ધ્વજા ચડાવી સરકારને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરશે. તેમજ જો સરકાર દ્વારા માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો હજુ પણ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ખેતરોમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનોના મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં કિસાન કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી. જે બાદ હવે આગામી 26મી તારીખથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રાનો પાર્ટ 2 યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. આ યાત્રા બે અલગ-અલગ રૂટ કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-હળવદ—પરથી શરૂ થશે. આ બંને યાત્રાઓ લતીપુર ખાતે ભેગી થશે અને ત્યાંથી 500 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એકસાથે દ્વારકા પહોંચશે. જ્યાં દ્વારકાધીશને ધ્વજા ચડાવ્યા બાદ સરકારને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરશે.
ખેડૂત નેતા પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજકારણ નહીં રાજનીતિ માટે કર્યા છે. 2017માં રાજ્ય સરકારે પહેલી પરિપત્ર કર્યો છે જંત્રી ભાવના ટોટલ એમાઉન્ટના 7.50 ટકા આપવાના ત્યારથી કિસાન કોંગ્રેસ લડત લડી રહ્યું છે. જે બાદ સરકાર સામે લડત લડ્યા બાદ 2023માં 25 ટકા કરવા પડ્યા. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ જાહેર સભા, મિટિંગ કરીને આંદોલન કર્યા છે. ખેડૂતોને જાગૃત કરવા માટે સેમિનાર પણ યોજવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં કંપનીએ ખોટી રીતે કામ કરતી હતી ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કામ બંધ કરાવ્યું છે. હવે સરકારને જગાડવાનો અને માંગવાનો સમય આવ્યો છે જેથી આંદોલન કરવા પડ્યા છે.
વધુમાં પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ત્રણ કાળા કાયદા માટે રોકવામાં આવ્યા તેમ ચાલો ગાંધીનગર સમયે પણ રોકવામાં આવ્યા હતા. જે સમયે કોઈકે કંઈક હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું છે. વીજ લાઇનના પ્રશ્નો મુદ્દે સખત અને સતત માર્કેટ ભાવના ચાર ગણા આપવાની પોલીસ ન બનાવે ત્યાં સુધી લડીશું. એક પોલ દીઠ 50 હજાર આપવા માટે રજૂઆત કરી છે. રાજ્ય સરકારે પોલિસી બનાવવાનું પણ વિચારતી નથી. અમારા વળતર નહીં જીવન જોખમ અને પાકનું જોખમ છે. 26 તારીખથી વ્રજવાણીથી ચાલુ કરીને ભગવાન દ્વારકાધીશને ફરિયાદ કરવા જવું છે. રામના નામે જે સરકાર બની છે તે સરકાર ખેડૂતનું સાંભળતી નથી તે માટે સદબુદ્ધિ આપો તે માટે ધ્વજા માથે લઈને દ્વારકાધીશને ધ્વજા અર્પણ કરવામાં આવશે.
પદયાત્રાનો રૂટ
પ્રથમ યાત્રા (કચ્છ રૂટ): આ યાત્રા 26મી તારીખે વ્રજવાણીથી શરૂ થશે. ત્યારબાદ તે ગેડી, ચલાડી, પ્રાગટપર, ચિત્રોડ, લાકડીયા અને શિકારપુર થઈને માળિયાના ખારા પાટમાં પહોંચશે. ત્યાંથી તે આમરણ થઈને લતીપુર પહોંચશે.
બીજી યાત્રા (સુરેન્દ્રનગર રૂટ): આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ગામો જેવા કે કોંડ અને સાપકડાથી શરૂ થશે. ત્યાંથી તે સરા વિસ્તાર થઈને વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં થઈને લતીપર (લતીપુર) પહોંચશે.
આ બંને યાત્રાઓ લતીપર (લતીપુર) વિસ્તારમાં ભેગી થશે અને ત્યાંથી બંને યાત્રાઓ એકસાથે દ્વારકા પહોંચશે.


