આરોગ્ય સંસ્થાઓમાં દર્દીના જીવન સાથે ચેડા
મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ
કેન્સરની દવામાં ઉપયોગ થતાં બ્લડ પ્લાઝમાનું કૌભાંડ ઝડપાયું : અમદાવાદના ચાંગોદરમાં લેબોરેટરીમાંથી અસલી પ્લાઝમાં કાઢી સ્લાઇન વોટર ભેળવી અડધા ભાવે વેંચાણ : મુખ્ય સુત્રધાર અને લેબના માલિક સહિત ચારની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
દર્દીઓને ચડાવવામાં આવતા અને કેન્સરની દવામાં ઉપયોગ થતા બ્લડ પ્લાઝમાને પણ હવે કૌભાંડીઓએ નથી છોડ્યા. અમદાવાદના ચાંગોદરમાં ધમધમતી એક લેબોરેટરીમાં બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ઉમેરી અડધા ભાવે વેચી નાખતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.મામૂલી રકમ માટે લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર ચાલતા આ રેકેટની સનસનીખેજ વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. નકલી પ્લાઝમાના કારણે કોઈ દર્દીની તબિયત લથડી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં ચાર લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે, ચાંગોદરમાં એક નકલી બ્લડ બેન્ક આવેલી છે. જે ઓરિજનલ પ્લાઝમાને ડુપ્લીકેટ પ્લાઝમા સાથે રિપ્લેસ કરીને અડધી કિંમતે બજારમાં વેચી રહી છે. એસઓજીની ટીમે લેબોરેટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી કેટલાક ઓરિજનલ પ્લાઝમા અને કેટલાક નકલી પ્લાઝમાના યુનિટ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અને લેબોરેટરીના માલિક મોહન ગાયકવાડની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપી સપ્લાય કરતા હતા તે ડ્રાઇવર રફીક અને તેના સાથી જીતેન્દ્ર સોલંકીની પણ ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ જ્યારે કોઈ લેબોરેટરીમાંથી કોઈ દર્દી માટે પ્લાઝમા મોકલવામાં આવે ત્યારે આરોપીઓ તે માણસાને ફોડી લેતા હતા અને તેની પાસેથી ઓરિજિનલ પ્લાઝમા મેળવી લેતા હતા. તેની જગ્યાએ નકલી પ્લાઝમા આપી દેતા હતા. ચાંગોદરની લેબોરેટરીમાં જે ઓરિજિનલ પ્લાઝમાં કાઢી લેવામાં આવ્યા હોય તે આરોપીઓ દ્વારા બજારમાં અડધા ભાવે વેચી નાખતા હતા. બ્લડ બેન્કમાંથી અસલી પ્લાઝમા લાવનાર રફીક અને જીતેન્દ્રનો સંપર્ક કરીને દિનેશ જુદા જુદા પ્લાઝમા મંગાવતો હતો જે બાદ તેને રિપ્લેસ કરવાનું કામ થતું હતું.
છ મહિનાથી ચાલતુ કારસ્તાન
આરોપીઓ ભેગા મળીને છેલ્લા છ મહિનાથી આ નકલી પ્લાઝમાનું રેકેટ ચલાવતા હતા.ઓરિજનલ પ્લાઝમા બજારમાં 2 થી 5 હજાર રૂપિયા સુધીમાં વેચાય છે. ત્યારે આરોપીઓ ઓરિજનલ ચોરી કરી તેની જગ્યાએ નકલી પેક કરીને 1000 થી 3,000 સુધીમાં વેચતા હતા. અત્યાર સુધી આ નકલી પ્લાઝમા કેટલા દર્દીઓને ચઢાવાયા છે.આરોપીઓએ કઈ હોસ્પિટલમાં પ્લાઝમા સપ્લાય કર્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે 1150 યુનિટ ઓરિજિનલ પ્લાઝમા સહિત કુલ 15 લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો છે.


