જંગ્લેશ્વર ડિમોલીશનમાં નવો વિવાદ, ૧૨.૪૦ લાખનું મિનરલ વોટર પણ ગટગટાવી ગયા
અધિકારીઓએ તાપથી બચવા મંડપ નાખ્યા, ૬ લાખ બિલ મૂક્યું : કામગીરી કરતા તેના પાછળ થયેલો ખર્ચ ચર્ચાનો વિષય બન્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલા સરકારી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો, મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, હવે આ કામગીરી કરતાં તેના પાછળ થયેલા ખર્ચના બિલો વધુ ચર્ચાનો વિષય બન્યા છે.
આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે આજે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવ્યું પણ અધિકારીઓ એ દિવસે મીઠાઈ અને નાસ્તાની જ્યાફત માનવ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને હવે પાણીનું બિલ પણ સામે આવ્યું છે અને તે જોતા જ ઘણા સવાલો ઉભા થયા છે.
ડિમોલિશન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ માટે કરવામાં આવેલી ચા-નાસ્તા અને ભોજન વ્યવસ્થાનું અંદાજે ₹27 લાખનું બિલ અગાઉ ચર્ચામાં આવ્યું હતું. હવે આ કામગીરી દરમિયાન પીવા માટે સપ્લાય કરાયેલા મિનરલ વોટરનું આશરે ₹12,40,028નું બિલ સામે આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલી મોટી રકમના પાણીના બિલને લઈને વિવિધ સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, ડિમોલિશન સાઇટ પર સ્ટાફ માટે મંડપ અને અન્ય સુવિધાઓ ઉભી કરવા પાછળ ₹6,70,678નો ખર્ચ નોંધાયો છે. પાણી અને મંડપના આ બંને બિલ હજુ સુધી સ્ટેન્ડિંગ કમિટી અથવા સામાન્ય સભા સમક્ષ સત્તાવાર મંજૂરી માટે રજૂ થયા નથી, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ તો માત્ર ખાવા-પીવા અને વ્યવસ્થાના ખર્ચના આંકડા છે. ડિમોલિશન માટે ઉપયોગમાં લેવાયેલા JCB મશીનોનું ભાડું, કાટમાળ હટાવવા માટે ટ્રેક્ટર-ડમ્પરનો ખર્ચ તેમજ મજૂરોના મહેનતાણાંના બિલ હજુ પ્રક્રિયામાં હોવાનું કહેવાય છે. આ તમામ ખર્ચ જોડાયા બાદ સમગ્ર ઓપરેશનનો ખર્ચ કરોડો રૂપિયાને આંબી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
માહિતી અનુસાર, ચા-નાસ્તા અને ભોજનની જવાબદારી આરોગ્ય શાખા પાસે હોવાથી તેનું બિલ અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મિનરલ વોટર અને મંડપની વ્યવસ્થા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે આ બિલો હજુ મંજૂરી માટે રજૂ થવાના બાકી હોવાનું કહેવાય છે. હવે આ તમામ બિલો નિયમ મુજબ મંજૂર થશે કે તેની તપાસ કરવામાં આવશે તે તરફ સૌની નજર છે.
પુરુષોત્તમ પીપળીયા મેદાને
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ખાણીપીણીમાં થયેલ બિલિંગ કૌભાંડને લઈ સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.
જેમાં તેમનું કહેવું છે કે, સમગ્ર ઘટનામાં તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ તો પીપળીયાએ વધુમાં ડબલ બિલ બનાવનારને ગીધડ કહ્યાં છે. આવા સમયે કાજુકતરી અને ખજૂર રોલ મંગાવનાર કોણ ? તેને શોધવા અને તેનું નામ જાહેર કરવા પીપળીયાએ અપીલ કરી છે.


