TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત
રાજકોટમાં યોજાયેલી રાજ્ય કારોબારીમાં શિક્ષણ ક્ષેત્રની ખાલી જગ્યાઓ અને ભરતી મુદ્દે સરકાર સમક્ષ ઉઠ્યો આક્રોશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના આજી વિસ્તારમાં સેવા ભારતી કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કક્ષાની આજે 27 જૂનના કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષા ફરજિયાતના મુદ્દાને લઈને 29 જૂનથી 5 જુલાઇ સુધી દેશના તમામ પક્ષના લોકસભાના 543 અને રાજ્યસભા 245 સાંસદોને આવેદનપત્ર આપવાનું એલાન થયુ છે. ભારતમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તમામ સાંસદો શિક્ષકોના આ પ્રશ્નને વાચા આપે અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારો કરી વર્ષ 2010 પહેલાના શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે. આ દરમિયાન રાજ્યની શાળાઓમાં શિક્ષકો સહિત 33 હજાર જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 12 હજાર ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી બાકી હોવાનો મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાતના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 9 સંવર્ગ કાર્યરત છે. જેમાં 1.20 લાખ સદસ્યો નોંધાયેલા છે. હાલમાં ટેટ પરીક્ષાની જે અનિવાર્યતા ઊભી થઈ છે તેને અનુલક્ષીને જેમને આ પરીક્ષા પાસ કરવાની થાય છે તેવા 75,000 જેટલા શિક્ષકો છે. જ્યારે ભારતના 25 લાખ શિક્ષકોને આ નિર્ણયની અસર થાય છે.
જેથી કેન્દ્રીય કક્ષાએથી જે કાર્યક્રમ આપવામાં આવેલો છે તે મુજબ 5 જુલાઈ સુધી સમગ્ર ભારતના તમામ પક્ષના સાંસદોનો સંપર્ક કરવામાં આવશે. જેમાં શિક્ષકોને જે તકલીફ પડે છે તેની વાત મૂકવામાં આવશે. શિક્ષકોની નોકરી, નોકરીની શરતો, તેમનું પ્રમોશન અને નિવૃત્તિમાં જે કંઈ પણ પ્રશ્નો છે તેની સાંસદોને રજૂઆત કરવામાં આવશે. જેમાં વિનંતી કરવામાં આવશે કે આગામી ચોમાસુ સત્રમાં શિક્ષકોનો અવાજ રજૂ કરવામાં આવે તેમના પ્રશ્નોની રજૂઆત થાય. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન, શૂન્ય કાળ દરમિયાન અથવા તો અથવા તો ચર્ચા સ્વરૂપે આ બાબતની ચર્ચા થાય અને શિક્ષકોના હિતમાં કાયદામાં જે કંઈ પણ સુધારો કરવાની જરૂર પડે તેની કાર્યવાહી કરવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જ ચુકાદો આપવામાં આવ્યો છે તેને સંગઠન પૂરેપૂરુ માન આપે છે પરંતુ 25 લાખ શિક્ષકોના પરિવારને પણ અસર થાય છે. જેમાં તેમની સેવા શરતો મુજબ તેમના મેરીટના આધારે નિમણૂક મળેલી છે. તેમને નોકરી મળી તે વખતેની સ્થિતિ અને આપેલી છૂટછાટના આધારે શિક્ષકોને ટેટ પરીક્ષાની અનિવાર્યતા માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી છે.
સંગઠનની કાર્ય પધ્ધતિ અનુસાર પ્રદેશ કારોબારી નિયમિત રીતે મળતી હોય છે આવતીકાલે રાજકોટમાં પ્રદેશ કારોબારી છે અને તેમાં સમગ્ર ગુજરાતમાંથી 400થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. દરેક જિલ્લા અને રાજ્યકક્ષાએ જે પ્રશ્નો છે તેની ચર્ચા થશે ચર્ચા બાદ જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.
જેમાં મુખ્યત્વે શાળાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી મહેકમ પ્રમાણે કાયમી શિક્ષકોની નિમણુંક આપવામાં આવે, જ્ઞાન સહાયકની ભરતીમાં જે કંઈ પણ સુધારો કરવાનો છે તે પણ થાય, ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યા ખાલી છે તેની શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવે, પ્રાથમિક શાળાઓમાં સહાયક આપવા માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે તે મુજબ શાળા સહાયક આપવામાં આવે તેવી માંગણી છે. આ સાથે જ CET ની પરીક્ષા અંગે પણ આવતીકાલની કારોબારી ચર્ચા થશે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 12000 થી વધુ ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી બાકી છે અને સમગ્ર રાજ્યમાં તમામ સંવર્ગમાં 33,000 થી વધુ કાયમી જગ્યાઓ ખાલી છે. જેની ક્રમિક ભરતી માટે શૈક્ષિક મહાસંઘની કોર ટીમમાં ચર્ચા થઈ છે. આ કારોબારીમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે. સરકાર સાથે આ અંગે રજૂઆત થયેલી છે અને બંને શિક્ષણ મંત્રી સાથે પણ બેઠક કરવામાં આવે છે. જેમાં રજૂઆતને યોગ્ય રીતે સાંભળવામાં આવી છે અને તે અંગે શિક્ષણ વિભાગને નિર્દેશ કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે. જોકે શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સત્વરે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી માંગણી છે. TET પરીક્ષા ફરજિયાતના ચુકાદા સામે એક લાખથી વધુ શિક્ષકો ધરણામાં જોડાયા હતા. જે અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું આવેદન પણ અપાયું છે. કેન્દ્રીય મંત્રીમંડળ પ્રધાનને મળ્યું છે અને ચર્ચા કરવામાં આવેલી છે.


