સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું
જસદણ-વિંછીયા વિસ્તારમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ૧૧૦ કિ.મી. લાંબી પાઇપલાઇનનું નેટવર્ક લંબાવાશે
વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ૧૦૯ જળાશયો અને ૧૬૦૦ ચેકડેમો ભરી ૮૦ લાખની વસ્તીને શુદ્ધ પાણી આપવાનો લક્ષ્યાંક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં જળસંપત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે વિંછીયા ખાતે ‘સૌની યોજના’ની લિન્ક-૪ સાથે ચેકડેમ, તળાવો સાંકળવાના રૂ. ૩૧.૯૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીતાભર્યા નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં છેવાડાના માનવી સુધી વિકાસકાર્યો પહોંચાડવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વિંછીયા ખાતે ₹ ૩૧.૯૨ કરોડના ખર્ચે તળાવો અને ચેકડેમો ભરવાના કામોનું ખાતમુહૂર્ત જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું છે.
મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, જસદણ અને વિંછીયા આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે વરદાન સાબિત થનારી આસલપુરથી ભાડલા સુધીની સૌની યોજનાનું આશરે ૮૦% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી ૨થી ૩ મહિનામાં પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરી ધારેઈ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી વિંછીયા અને આસપાસના પાનીયા, ભાડેર, રેવાણીયા, મોરી અને અમરાપુર સહિતના અનેક ગ્રામીણ વિસ્તારોના જળસ્ત્રોતો નર્મદાના નીરથી છલકાશે. આ પ્રકલ્પ માત્ર પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ જ નહીં, પરંતુ પશુપાલન અને ખેતી માટે પણ સંજીવની સમાન સાબિત થશે.
વધુમાં મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દ્વારા સરવા અને ગોમા ડેમમાંથી વધારાનું પાણી લાવીને અન્ય ૩૦ ગામોને જોડતી એડિશનલ ફિલ્ટર વોટર યોજનાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સૌની યોજના’ના કન્સેપ્ટને કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોની હિજરત અટકી છે. જસદણ વિધાનસભા વિસ્તારમાં ₹૨૦૦ કરોડના ખર્ચે આશરે ૧૧૦ કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક માખાવડ ડેમ સુધી લંબાવવામાં આવી રહ્યું છે, જેનાથી ૪૦૦૦થી વધુ ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.
તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર માનતા જણાવ્યું કે, સૌની યોજનાની પાઇપલાઇનની બંને બાજુએ તળાવો ભરવાની મર્યાદા ૩ કિલોમીટરથી વધારીને ૭ કિલોમીટર કરાતાં હવે પોરણીયા ડેમ સહિતના બાકી રહી ગયેલા જળસ્ત્રોતોનો સર્વે પણ શરૂ કરી દેવાયો છે, જે સમગ્ર વિસ્તારને ભવિષ્યમાં જળ-સ્વાવલંબી બનાવશે.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધાના માત્ર ૧૭મા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા (ગેટ) મૂકવાની મંજૂરી આપીને અશક્ય કાર્યને શક્ય બનાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના વ્યાપક હિતમાં સૌની યોજનાની પાઈપલાઈન આસપાસ તળાવો ભરવાની મર્યાદા ૩ કિલોમીટરથી વધારીને ૭ કિલોમીટર કરવાની મંજૂરી આપી છે, જેથી વધુ વિસ્તારને આવરી શકાય. આ નવી યોજના અંતર્ગત ૭૫ કિલોમીટરથી વધુ લાંબી HDPE અને MS પાઇપલાઇન નાખીને રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લાના ૨૫ ગામોની ૨૨૨૩ એકર જમીનને સિંચાઈનો સીધો લાભ અપાશે.
૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ શરૂ થયેલી આ ઐતિહાસિક ‘સૌની યોજના’ની પ્રગતિ અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, યોજનાના પ્રથમ બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્રીજા તબક્કાની કામગીરી પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આ યોજના હેઠળ ૧૦૯ જળાશયો, ૨૧૯ ગામ તળાવ અને આશરે ૧૬૦૦ જેટલા ચેકડેમોને નર્મદાના નીરથી ભરી દેવાનું ભવ્ય લક્ષ્યાંક છે, જેનાથી આશરે ૭ લાખ એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ થશે અને ૮૦ લાખ જેટલી જનસંખ્યાને પીવાનું શુદ્ધ પાણી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર ડેમો અને પાઇપલાઇનનું નેટવર્ક મજબૂત બની રહ્યું છે, જે વડાપ્રધાનના ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે.
નોંધનીય છે કે, સૌની યોજના લિંક-૪ પેકેજ-૩, ૪ અને ૫-એની પાઇપલાઇન રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાના વિંછીયા, જસદણ, બાબરા અને બોટાદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થાય છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ૭ ગામ, વિંછીયા તાલુકાના ૯ ગામ, ગોંડલ તાલુકાનું ૧ ગામ, બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના ૩ ગામ, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ૫ મળી, કુલ ૪૪ વોટરબોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે અધિક સચિવ અને ચીફ એન્જિનિયર એસ.જી.પંડ્યા, રાજકોટ સિંચાઈ યોજના વર્તૃળના અધિક્ષક ઈજનેર સી.પી.ગણાત્રા, પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા, સૌની યોજનાના એક્ઝિક્યુટીવ એન્જીનિયર અંકિત પિનારા, અગ્રણી અશ્વિનભાઈ સાંકળીયા, ખિમજીભાઈ કુંમરખાણીયા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


