યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો
રક્ષકો પર થયેલા હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ : ગાડી અથડાવી પૈસા પડાવવાનો ખેલ : બેની અટકાયત
અગ્ર ગુજરાત, પાલનપુર
યાત્રાધામ અંબાજીમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીના વોર્ડ નંબર 8માં ધોળા દિવસે નશામાં ધુત લુખ્ખા તત્વોએ માત્ર એક સામાન્ય નાગરિકને જ નિશાન બનાવ્યો ન હતો, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને તેમની PCR વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ભોગ બનનાર સ્થાનિક રહીશ બદારામ પંચાલના જણાવ્યા અનુસાર, તેઓ અને તેમના પત્ની હોસ્પિટલેથી પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે 6:30 થી 7:00 વાગ્યાના સુમારે જ્યારે તેઓ આઠ નંબર વિસ્તારના એક વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક બાઈક પર સવાર ત્રણ શખસે તેમની બાઈક સાથે ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ ત્રણેય બાઈકસવાર આગળ જઈને નીચે પડી ગયા હતા.
ભોગ બનનાર બદારામ પંચાલે જણાવ્યું હતું કે, આ ત્રણેય બાઈકસવાર નશાની હાલતમાં હતા. નીચે પડ્યા બાદ તેઓ મારી પાસે આવ્યા, મને પકડી લીધો અને બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા લાગ્યા. હું જેમ-તેમ કરીને તેમના ચુંગાલમાંથી છૂટ્યો અને જીવ બચાવવા નજીકના એક ઘરમાં ઘૂસી ગયો હતો. હું છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં રહું છું, પણ આવી ગંભીર ઘટના મારી સાથે પહેલીવાર બની છે.
આ ગંભીર ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસ પર હુમલો કરનારા તત્વોને પકડવા માટે પોલીસે તાત્કાલિક અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હુમલો કરનારા 3 પૈકી 2 આરોપીની અટકાયત કરી લીધી છે અને ત્રીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


