રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો
અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહ દ્વારા માનવ પર હુમલો કરવાની આ પાંચમી ઘટના
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્યપ્રાણીઓનો માનવી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે જેને પગલે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રીએ રાજુલા તાલુકાના વડ ગામની વાડી વિસ્તારમાં સિંહણે એક મહિલા પર અચાનક હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ધટના પગલે રાજુલા વનવિભાગના આર.એફ.ઓ ડી.કે. મકવાણા સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો. વડ ગામે વાડી વિસ્તારમાં અચાનક સિંહણ આવી ચડી અને સમુજબેન સોલંકી નામના મહિલા પર હુમલો કરી દીધો હતો. હુમલો કરતા મહિલાને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. મહિલાની ચીસાચીસ સાંભળી આસપાસથી લોકો દોડી આવતા સિંહણ ત્યાંથી નાસી છૂટી હતી. જોકે સામાન્ય ઈજાઓ ને કારણે સારવાર આપવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહ દ્વારા માનવ પર હુમલો કરવાની આ પાંચમી ઘટના બની છે. સતત વધતાં જતા વન્યપ્રાણીઓન હુમલાઓને કારણે ખેડૂતો અને ખેતમજૂરો હવે સીમમાં જતા પણ ડરી રહ્યા છે. લોકોની માંગ છે કે, આ વિસ્તારમાં સતત આટાફેરા મારતા પ્રાણીઓને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


