જાફરાબાદમાં વૃદ્ધો ત્રણ મહિનાથી પેન્શનથી વંચિત
તાત્કાલિક ચૂકવણી કરવા ટીકુભાઈ વરૂની ઉગ્ર માંગ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને છેલ્લા ત્રણ મહિનાથી પેન્શનની ચૂકવણી કરવામાં આવી નથી જેના કારણે અનેક વૃદ્ધ નાગરિકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વૃદ્ધો પોતાની જીવન જરૂરિયાત દવા-સારવાર અને ઘરખર્ચ માટે મળતી પેન્શન ઉપર આધાર રાખી રહ્યા છે ત્યારે સમયસર પેન્શન ન મળતા તેમની સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઇ છે. જાફરાબાદ તાલુકાના વૃદ્ધ પેન્શન લાભાર્થીઓના પ્રશ્નને ધ્યાનમાં લઈ આ બાબતે અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વૃદ્ધોને મળવાપાત્ર છેલ્લા ત્રણ મહિનાની બાકી પેન્શનની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે અને લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ નાગરિકો માટે આર્થિક આધાર સમાન છે. પેન્શનની ચુકવણીમાં વિલંબ થવાથી વૃદ્ધોને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી બાકી રહેલી પેન્શન ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં પણ નિયમિત સમયસર પેન્શન મળે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઇ વરૂએ કલેક્ટર સમક્ષ વૃદ્ધ નાગરિકોના હિતમાં વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.


