પાટીદાર ચોકમાં બાંધકામ સાઇટ પર વીજ કરંટ લાગતાં બે મજૂરના મોત
બપોરે લિફટનું કામ કરતી વખતે અચાનક જોરદાર આંચકો લાગતાં બંને બેભાન થઇ ઢળી પડયા
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના રૈયા ગામમાં બાંધકામની સાઇટ પર લિફટ ફીટીંગના કામ વખતે વિજકરંટ લાગતાં મજુરના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બંને મુળ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના વતની હતાં અને હાલ રાજકોટ રહેતાં હતાં.
જાણવા મળ્યા મુજબ રૈયા ગામમાં પાટીદાર ચોકમાં અપટાઉન બાંધકામની સાઇટ પર પર હાલમાં લિફટનું અને કલરનું કામ ચાલુ હોઇ આ સાઇટ પર કોન્ટ્રાકટર રવિભાઇ સાથે લિફટ ફિટીંગના કામ માટે આવેલા રામબલી કામટાપ્રસાદ કુશવાહા (ઉ.વ.૨૬) તથા સુરજ હીરાલાલ કુશવાહા (ઉ.વ.૨૧)ને બપોરે લિફટનું કામ કરતી વખતે અચાનક જોરદાર વિજકરંટ લાગતાં બંને બેભાન થઇ ઢળી પડયા હતાં.
બનાવને પગલે સાઇટ પર બીજા કર્મચારીઓ એકઠા થઇ ગયા હતાં અને તુરત જ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ બંનેને તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર રામદલી કુશવાહા મુળ એમપીનો વતની હતો. તે એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. થોડા સમયથી તે રાજકોટ રહી અલગ અલગ સાઇટ પર કામ કરતો હતો. જ્યારે તેની સાથે મૃત્યુ પામનાર સુરજ કુશવાહા મુળ યુપીનો વતની હતો. આ બનાવથી સાથી મજુરોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.


