ડિમોલિશન ખર્ચ મામલે ‘આપ’નો પાણીની બોટલો બતાવી વિરોધ
મંડપ અને વીડિયોગ્રાફીના બિલોમાં થયેલો મોટો ખેલ ખુલ્લો પાડતા કમિશનર કચેરીએ ‘આપ’ના નેતાઓની અટકાયત
₹૨૭ લાખનું બિલ સાડા ત્રણ કરોડે પહોંચ્યું! કોર્પોરેશનમાં મેગા ભ્રષ્ટાચાર : દિનેશ જોશી AAP
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના ખર્ચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે પાણીની બોટલો હાથમાં રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે વિરોધ કરી રહેલા ‘આપ’ના નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના કહેવા પ્રમાણે જે મેગા ડિમોલિશન થયું છે, તેમાં વાસ્તવમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ભાજપના જ ધારાસભ્યએ પણ સ્વીકાર્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. જે કામનું બિલ પહેલા ₹૨૭ લાખ આસપાસ હતું, તે ભ્રષ્ટાચારના કારણે આજે વધીને આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે! આ સત્તાધીશોને જનતાના પૈસા લૂંટવામાં જરાય શરમ નથી આવતી. કમિશનર માત્ર સત્તાધારી પક્ષના ‘પઢાવેલા પોપટ’ હોય તેમ તેમની જ ભાષા બોલી રહ્યા છે. બીજી તરફ, જ્યારે મેયરને આ ભ્રષ્ટાચાર વિશે કંઈ પૂછવામાં આવે છે, ત્યારે તેઓ હંમેશની જેમ ‘જોઈ લેશું, મારા ધ્યાનમાં નથી’ કહીને હાથ ઊંચા કરી દે છે. અમારી માંગણી છે કે આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થવી જોઈએ અને તેમાં વિરોધ પક્ષ તથા પ્રજાને સાથે રાખવી જોઈએ.
આપ નેતા દિનેશ જોશીએ વધુમાં જણાવ્યુ હતુ કે ભ્રષ્ટાચારના પુરાવા આપતાં દિનેશ જોશીએ વધુમાં જણાવ્યું કે, ‘આજે અમે વિરોધમાં આ પાણીની બોટલો લાવ્યા છીએ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ જે મિનરલ વોટરની બોટલ પીએ છે, બજારમાં તેની કિંમત માત્ર ₹૮ થી ₹૧૦ હોય છે, પરંતુ કોર્પોરેશનના બિલમાં તેના ગંજાવર ભાવો વસૂલવામાં આવ્યા છે. મારો પોતાનો છેલ્લા ૪૦ વર્ષથી મંડપ સર્વિસનો ધંધો છે. આ ડિમોલિશનમાં મંડપ અને વ્યવસ્થાનું બિલ જે સાડા આઠ લાખ રૂપિયા બનાવવામાં આવ્યું છે, તે વાસ્તવમાં ₹૭૦,૦૦૦ થી વધારેનું હોઈ જ ન શકે! ₹૫ લાખની અંદર તો નવો આખો માલ આવી જાય, તો આ સાડા આઠ લાખનું બિલ કઈ રીતે બન્યું?’ તેમણે ઉમેર્યું કે, ‘વિડિયોગ્રાફીના નામે પણ મોટો ખેલ થયો છે. જે માણસને વિડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે માત્ર ૧૦ બાય ૧૦ ની દુકાન નાખીને બેસતો હતો અને છેલ્લા ૧૦ વર્ષથી તેની દુકાન પણ બંધ છે. તેમ છતાં ભાજપના નેતાઓના ‘મામા-કાકા અને ભાઈ-ભત્રીજાવાદ’ ના કારણે આવા મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જો માત્ર ત્રણ દિવસના ડિમોલિશનના ખર્ચમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જતો હોય, તો ભાજપના છેલ્લા ૩૦ વર્ષના શાસનમાં રાજકોટની જનતાની પરસેવાની કમાણી કેટલી લૂંટાઈ હશે? આ ભ્રષ્ટ ભાજપ સરકાર અને અધિકારીઓએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.


